- બદલાપુરના વાલીઓ અને નાગરિકો એક અવાજે કહી રહ્યા છે કે શાળાએ છોકરીઓની સુરક્ષા માટે ગંભીર પગલાં લેવા જોઈએ.
થાણે જિલ્લાના બદલાપુરની એક જાણીતી શાળામાં એક છોકરીની કથિત જાતીય સતામણીની ઘટના સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક લોકો શાળા સામે વિરોધ કરી રહ્યા છે. જેની અસર લોકલ ટ્રેનો પર પણ પડી છે. બદલાપુર રેલવે સ્ટેશન પર ઘણી લોકલ ટ્રેનોને રોકી દેવામાં આવી છે. આ જાણકારી સીપીઆરઓ સેન્ટ્રલ રેલવે દ્વારા આપવામાં આવી છે.
તેમણેે કહ્યું કે વિરોધ કરી રહેલા લોકો રેલવે ટ્રેક પર આવી ગયા છે. જેના કારણે અંબરનાથ અને કર્જત વચ્ચે અપ અને ડાઉન બંને લાઇન પર લોકલ સેવાઓને અસર થઇ છે. અધિકારીઓ આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં પાંચ ટ્રેનો પ્રભાવિત છે. બદલાપુર ખાતે ચાર ટ્રેન ઊભી છે અને એક ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. જેના કારણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, બદલાપુરની એક નામાંક્તિ શાળામાં બે સગીર છોકરીઓ સાથે અત્યાચારની ઘટના બાદ માતા-પિતા અને સ્થાનિક નાગરિકોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાલીઓનું કહેવું છે કે અમારી દીકરીઓ અહીં સુરક્ષિત નથી અને તેમણે સ્કૂલ પ્રશાસન પાસે દીકરીઓની સુરક્ષા માટે ગેરંટી માંગી છે. શાળામાં ત્રણથી સાડા ત્રણ વર્ષની બે વિદ્યાર્થીનીઓ સાથે કરાયેલા અમાનવીય કૃત્યથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
શાળાના ગેટ પર મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો એકઠા થયા હતા અને શાળા પ્રશાસનની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. હજુ સુધી શાળા પ્રશાસન તરફથી કોઈ નક્કર જવાબ આપવામાં આવ્યો નથી, જેના કારણે રોષે ભરાયેલા વાલીઓની માંગણીઓ હજુ પણ પડતર છે. બદલાપુરના વાલીઓ અને નાગરિકો એક અવાજે કહી રહ્યા છે કે શાળાએ છોકરીઓની સુરક્ષા માટે ગંભીર પગલાં લેવા જોઈએ.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ દ્વારા કેસ નોંધવામાં વિલંબ થતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓની માંગ છે કે શાળાએ આગળ આવીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે છોકરીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.