મહારાષ્ટ્રના બદલાપુરમાં સગીરોની કથિત જાતીય સતામણી માટે સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ કહ્યું કે આ એફઆઇઆર પોસ્કો એક્ટની કલમ ૧૯ની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે જ્યારે પણ કોઈ અધિકારીને સગીરો સામે આવી જાતીય સતામણીની જાણ થાય છે, ત્યારે તેણે આગળની કાર્યવાહી માટે પોલીસ અધિકારીઓને જાણ કરવી ફરજિયાત છે. આ કેસમાં બંને પીડિતા અને તેમના માતા-પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.
આ પહેલા બોમ્બે હાઈકોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે હવે ચાર વર્ષની માસૂમ બાળકીઓ પણ સુરક્ષિત નથી. તેમને પણ બક્ષવામાં આવી રહ્યા નથી. આ રીતે વસ્તુઓ છે. જો શાળાઓ સલામત નથી તો શિક્ષણના અધિકાર અને અન્ય બાબતોનો અર્થ શું છે. હાઈકોર્ટે આ કેસની માહિતી છુપાવવા બદલ શાળા પ્રશાસન સામે પોસ્કો હેઠળ કેસ નોંધવાનું કહ્યું હતું. કોર્ટે સરકાર પાસેથી કેસ ડાયરી અને એફઆઈઆરની નકલ પણ માંગી હતી. કેસની આગામી સુનાવણી ૨૭ ઓગસ્ટે થશે.
હકીક્તમાં, ૧૪ ઓગસ્ટના રોજ એક છોકરીએ શાળાએથી ઘરે પરત ફર્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવાની ફરિયાદ તેના માતા-પિતાને કરી હતી. જ્યારે બાળકીએ તેના માતા-પિતાને ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું ત્યારે માતાપિતાને શંકા ગઈ. જ્યારે તેઓએ યુવતીની પૂછપરછ કરી તો સમગ્ર ઘટનાની હકીક્ત સામે આવી. જ્યારે તે ટોયલેટમાં ગઈ ત્યારે તેને જાણવા મળ્યું કે અક્ષય શિંદે નામના ૨૩ વર્ષના સફાઈ કામદારે તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો.
ચિંતાતુર વાલીઓએ જ્યારે આ જ વર્ગની અન્ય એક છોકરીના માતા-પિતાનો સંપર્ક કર્યો તો તેઓએ પણ જણાવ્યું કે તેમની પુત્રી છેલ્લા કેટલાક દિવસોથી શાળાએ જવામાં ડરતી હતી. બંને બાળકીઓની હાલત શંકાસ્પદ બની જતાં માતા-પિતાએ તાત્કાલિક સ્થાનિક ડોક્ટર પાસે તપાસ કરાવી હતી. બાદમાં ખુલાસો થયો કે આરોપીએ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું.
આ પછી, બંનેના પરિવારના સભ્યો ૧૬-૧૭ ઓગસ્ટની મયરાત્રિ લગભગ ૧૨:૩૦ વાગ્યે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. જોકે, માતા-પિતાનો આરોપ છે કે તત્કાલીન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શુભદા શિતોલેએ તેમની ફરિયાદ નોંધવાને બદલે તેમને થોડા કલાકો સુધી બેસાડી રાખ્યા અને કહ્યું કે તેઓ તમામ ઘટનાઓની તપાસ કરી રહ્યાં છે. દરમિયાન, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની દરમિયાનગીરી પછી, પોલીસે ૧૭ ઓગસ્ટના રોજ સવારે પોસ્કો હેઠળ કેસ નોંયો અને સરકારી હોસ્પિટલમાં છોકરીઓની તબીબી તપાસ કરાવી. થોડા જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.