બદલાપુર વિરોધ,’સરકારને બદનામ કરવાનું ષડયંત્ર, વિરોધીઓ બહારના હતા,મુખ્યમંત્રી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે દાવો કર્યો હતો કે થાણે જિલ્લાના બદલાપુરમાં બે છોકરીઓના કથિત જાતીય શોષણ અંગેના વિરોધ રાજકીય રીતે પ્રેરિત હતા અને તેનો હેતુ રાજ્ય સરકારને બદનામ કરવાનો હતો. તેમણે એમ પણ કહ્યું કે મોટાભાગના દેખાવકારો બહારના લોકો હતા. મીડિયા સાથે વાત કરતા સીએમ શિંદેએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આ ઘટના પર રાજનીતિ કરનારાઓને શરમ આવવી જોઈએ.

બદલાપુર શહેરમાં મંગળવારે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હકીક્તમાં, ગયા અઠવાડિયે એક શાળામાં પુરૂષ પરિચર દ્વારા બે બાળકોનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ માહિતી મળતા જ ગુસ્સે ભરાયેલા વાલીઓ, સ્થાનિક રહેવાસીઓ અને અન્ય લોકોએ મંગળવારે રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો. પ્રદર્શનકારીઓએ શાળામાં તોડફોડ પણ કરી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો અને તેના કારણે બદલાપુરમાં અરાજક્તા સર્જાઈ હતી. હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે બદલાપુરમાં વિરોધ રાજકીય રીતે પ્રેરિત હતો, કારણ કે વિરોધીઓ સ્થાનિક રહેવાસીઓ ન હતા. વિરોધમાં સામેલ સ્થાનિક રહેવાસીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય.

તેમણે કહ્યું કે રાજ્યમંત્રી ગિરીશ મહાજને આંદોલનકારીઓની તમામ માંગણીઓ સાથે સંમત થયા છે, પરંતુ તેઓ હજુ પણ પીછો છોડવા તૈયાર નથી. મતલબ કે તેઓ સરકારને બદનામ કરવા માંગતા હતા. સીએમએ કહ્યું કે, કેટલાક વિરોધીઓ મહિલાઓ માટે તેમની સરકારની મુખ્ય નાણાકીય સહાય યોજના ’લડકી બેહન યોજના’ નો ઉલ્લેખ કરતા પ્લેકાર્ડ લઈને આવ્યા હતા. પ્લેકાર્ડ પર લખેલું હતું કે તેઓ માસિક રૂ. ૧,૫૦૦ નથી માંગતા, પરંતુ તેમની છોકરીઓ માટે સુરક્ષા ઇચ્છે છે.

પ્રદર્શનકારીઓએ રેલ માર્ગને બ્લોક કરી દીધો હતો, જેના કારણે બદલાપુર અને અંબરનાથ વચ્ચેની ટ્રેન સેવાઓ ૧૦ કલાકથી વધુ સમય માટે સ્થગિત રહી હતી. શિંદેએ કહ્યું, ’શું કોઈ આ રીતે વિરોધ કરે છે? આ યોજનાને કારણે વિપક્ષને જે પેટમાં દુ:ખાવો થઈ રહ્યો છે તે ગઈકાલના વિરોધ પરથી સ્પષ્ટ થાય છે. વિરોધ પ્રદર્શન દરમિયાન બદલાપુર રેલ્વે સ્ટેશન અને શહેરના અન્ય સ્થળોએ પથ્થરમારાની ઘટનાઓમાં રેલ્વે પોલીસ સહિત ઓછામાં ઓછા ૨૫ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે હિંસાના સંબંધમાં ઓછામાં ઓછા ૭૨ લોકોની ધરપકડ કરી છે અને ચાર એફઆઇઆર નોંધી છે.