પાકિસ્તાનના બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં ખુલ્લેઆમ મોતની રમત રમાઈ હતી. જ્યાં કેટલાક સશ લોકોએ ટ્રક અને બસમાંથી મુસાફરોને ઉતાર્યા અને તેમની ઓળખ કર્યા પછી તેમના પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા ૨૩ લોકો માર્યા ગયા. હવે આ હુમલા પર પંજાબ સરકારની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
પાકિસ્તાન સરકારના પ્રવક્તા અઝમા બુખારીએ કહ્યું કે, આ મુસાખેલ હુમલો પંજાબના લોકોને નિશાન બનાવતા સમાન હુમલાના લગભગ ચાર મહિના પછી થયો છે. એપ્રિલની શરૂઆતમાં નોશકી નજીક બસમાંથી નવ મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા અને તેમના ID કાર્ડની તપાસ કર્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મુસાખેલના આસિસ્ટન્ટ કમિશનર નજીબ કાકરે જણાવ્યું હતું કે, સશ લોકોએ માત્ર લોકો પર ગોળીબાર કર્યો ન હતો પરંતુ ૧૦ વાહનોને પણ આગ લગાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહોને હોસ્પિટલ લઈ જવાનું શરૂ કરી દીધું છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અગાઉ એપ્રિલમાં પણ આવા જ કેટલાક લોકોને ગોળી મારવામાં આવી હતી. એપ્રિલ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં પંજાબના ૬ મજૂરોની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ તમામ હત્યાઓ નિશાન બનાવીને કરવામાં આવી હતી.
તમામ મૃતકો પંજાબના અલગ-અલગ વિસ્તારના હતા, જે દર્શાવે છે કે તેમના જાતીય બેકગ્રાઉન્ડને કારણે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય આ ઘટના આ વર્ષે એપ્રિલ અને ગત વર્ષે ઓક્ટોબરમાં જ બની ન હતી પણ આવી જ ઘટના વર્ષ ૨૦૧૫માં પણ બની હતી. જ્યારે હથિયારબંધ લોકોએ ૨૦ મજૂરોની હત્યા કરી હતી. આ લોકો પંજાબના રહેવાસી પણ હતા.