કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો. બાબાસાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે ગઈકાલે (23 ડિસેમ્બર) અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા. ઘટનાના બીજા દિવસે પણ પ્રતિમા પાસે ધરણાં યથાવત્ હતાં.આજે 24 ડિસેમ્બરને મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ટોળાએ ખોખરા વિસ્તારમાં માર્કેટ, મોલ અને દુકાનો બંધ કરાવી હતી.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીને પકડવા 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા અને 200થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી.
નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આ પ્રતિમા તોડી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2018માં દીવાલને લઈ ક્રોસ રાયોટિંગ ગુનો નોંધાયો હતો. ત્રણ આરોપી મુકેશ ઠાકોર, ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી વોન્ટેડ છે.
1 હજારથી વધુ CCTVની તપાસ્યા- JCP, ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંધલે જણાવ્યું હતું કે, 23 ડિસેમ્બર, 2024ની સવારે 5 અજાણ્યા લોકો વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. 2.48 વાગ્યે બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. આ શખસો બે સ્કૂટી પર આવ્યા હતા અને મૂર્તિ ખંડિત કરીને જતા રહ્યા હતા. CP સાહેબની સૂચના મુજબ ક્રાઈમબ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમ સહિત કુલ 20 ટીમો કામ કરી રહી હતી. 1 હજારથી વધુ CCTV અને સ્કૂટીની ચકાસણી કરવામાં આવી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે સવારે ક્રાઈમ બ્રાન્ચને બે આરોપીને પકડવામાં સફળતા મળી છે અને જે આરોપી પકડ્યા છે તેનું નામ છે મેહુલ ઠાકોર અને ભોલા. બાકી ત્રણ આરોપીના નામ મળી ગયા છે અને તે મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે. તેની શોધખોળ પાછળ પણ હાલ ક્રાઈમ બ્રાન્ચ અને સેક્ટર-2ની ટીમ કાર્યરત છે. આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી, ઈદગાહ સર્કલ પાસે રહે છે. ૉ
મૂર્તિ ખંડિત કરવા પાછળના કારણ અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલુ છે. ત્યાં નાળિયા સમાજ રહે છે. આ બંને સમાજના લોકોની 2018થી કોઈ બાબતે માથાકૂટ ચાલે છે, જે બાબતે બંને સમાજ વિરુદ્ધ ક્રોસ રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો. તેમાં એક આરોપી જયેશ ઠાકોર હતા. 23 તારીખની જે FIR દાખલ થઈ છે, તેમાં પણ જયેશ ઠાકોર આરોપી છે. આ અંગે આગળની તપાસ ખોખરા પોલીસ કરશે.
ષડયંત્ર અને પ્લાનિંગથી આ કામ કર્યું: કોંગ્રેસ પ્રમુખ
કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, ગઈકાલે(23 ડિસેમ્બર) મણીનગર વિધાનસભામાં ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. કેટલાક અસામાજીક તત્વોએ શાંત વાતાવરણને ડહોળવાનું કૃત્ય કર્યું છે. રાતનાં અંધારામાં આ કૃત્ય કર્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉશ્કેરાઈને રોડ પર ઉતર્યા છે.
ગઈકાલે પણ કોંગ્રેસનાં આગેવાનો ત્યાં પહોંચ્યા હતાં. ત્યાંના દૃશ્યો ખૂબ જ વિચલિત કરનારા હતા. ચોક્કસ કોઈક ષડયંત્ર અને પ્લાનિંગથી આ કામ કર્યું છે. આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે. સ્થાનિક આગેવાનો સાથે પોલીસ CCTV ચેક કરી રહી છે. જે ષડયંત્ર હોય તેની તપાસ કરવામાં આવે. NIA દ્વારા તપાસ કરવામાં આવે.