
રાજકોટના જનકલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક VIP દરબાર યોજાયો હતો. રેસકોર્સ ખાતેનો દરબાર પૂર્ણ થયા બાદ મોડીરાત્રે રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી આ VIP દરબારનું આયોજન કરાયું હતું. આ દરબારમાં આયોજક સમિતિનાં સગાંસંબંધીઓ હાજર હોવાનું સામે આવ્યું છે. જો કે, આ દરબારની ટિકિટો હજારોમાં વેચાઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે VIP દરબારને લઈને ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલો ઊઠ્યા છે.

બાબાએ VIP દરબાર યોજાવાનો નહીં હોવાનું જણાવ્યું
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની બે દિવસીય મુલાકાતે છે. રેસકોર્સ ખાતે ગઈકાલે તેના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ દરબાર પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. જનકલ્યાણ હોલમાં રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયેલા આ VIP દરબારમાં આયોજક સમિતિના સભ્યોનાં સગાંસબંધીઓ હાજર રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જો કે, આ દરબારની ટિકિટો બપોરે સામે આવી હતી અને ત્યારબાદ મીડિયા સાથેની વાત દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈ VIP દરબાર યોજાવાનો નહીં હોવાનું જણાવ્યું હતું.
ભારતને હિન્દુરાષ્ટ્ર જાહેર કરવાની વાત દોહરાવી
અહીં નોંધનીય છે કે, ગઈકાલે રેસકોર્સમાં યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગડ તેમજ દર્શિતાબેન શાહ સહિતના અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. આ દરબારમાં જનમેદની મોટી સંખ્યામાં ઊમટી પડી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને સનાતન ધર્મ માટે તિલક લગાવવા સહિતની અપીલ કરી હતી. તેમજ ભારતને હિન્દુરાષ્ટ્ર જાહેર કરવાની પોતાની વાત દોહરાવી લોકોને સનાતન ધર્મનો સ્વીકાર કરવા જણાવ્યું હતું.