બાબાએ નાગપુરથી નિતિન ગડકરીના પૂરક ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી: અત્યાર સુધીમાં ૫૩ ચૂંટણી લડી ચૂક્યા છે

નાગપુર, લોક્સભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન નાગપુરમાં એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ચર્ચામાં છે. નાગપુર લોક્સભા માટે અત્યાર સુધીમાં એક ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને તે ઉમેદવાર વેંકટેશ્ર્વર મહાસ્વામી છે. વેંકટેશ્ર્વરે પોતાને નીતિન ગડકરીના પૂરક ઉમેદવાર ગણાવતા ઉમેદવારી નોંધાવી છે. મહારાજ કહે છે કે તેઓ નીતિન ગડકરીના પ્રશંસક છે. તે મૂળ કર્ણાટકનો છે અને હાલ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રહે છે.

વેંકટેશ્ર્વરે કહ્યું કે તેઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સમર્થક અને પ્રશંસક છે. તેઓ ક્યારેય નીતિન ગડકરીને મળ્યા નથી, ન તો તેઓ ભાજપના કોઈ નેતાને મળ્યા છે. તેમણે ભાજપ સાથે કોઈપણ પ્રકારના જોડાણનો પણ ઇન્કાર કર્યો છે. વેંકટેશ્ર્વર સ્વામીનું સાચું નામ દીપક ગંગારામ કોટકધોંડા છે અને તેઓ અત્યાર સુધીમાં ૫૨ ચૂંટણી લડી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેઓ મ્યુનિસિપલ કાઉન્સિલથી લઈને લોક્સભા અને રાજ્યસભા સુધીની તમામ ચૂંટણી લડ્યા છે. હવે તેમણે નાગપુરથી પૂરક ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, પરંતુ તેઓ સોલાપુરથી ચૂંટણી લડશે. તેમનું કહેવું છે કે તેઓ નીતિન ગડકરીના કામથી પ્રભાવિત છે, તેથી તેઓ તેમની સામે ચૂંટણી નહીં લડે પરંતુ પૂરક ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ગડકરીને વોટ આપવાનું આહ્વાન કરશે.

મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ અને નીતિન ગડકરીના ચૂંટણી પ્રભારી સંજય ભેંડેએ કહ્યું કે વેંકટેશ્ર્વર સાથે ભાજપનો કોઈ સંબંધ નથી. ભાજપમાંથી કોઈએ તેમને પૂરક ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવાનું કહ્યું નથી. તેમણે કહ્યું કે, ભાજપમાં આ પદ્ધતિની કોઈ પરંપરા નથી. ઉમેદવારી નોંધાવતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પૂરક ઉમેદવાર તરીકે પોતાને જાહેર કરવી અયોગ્ય છે. સાથે જ વેંકટેશ્ર્વર સ્વામી મહારાજ કહે છે કે નીતિન ગડકરીએ આખા ભારતમાં સારું કામ કર્યું છે, તેમણે રસ્તાઓ માટે સારું કામ કર્યું છે. સાથે જ પશુ-પક્ષીઓને પાણી મળી રહે તે માટે રસ્તાના કિનારે તળાવો બનાવવામાં આવ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે આટલા પૈસા ક્યાંથી આવે છે, તો મહારાજ કહે છે કે લોકો તેમને નોમિનેશન માટે પૈસા આપે છે. અત્યાર સુધીમાં તેઓ ૫૨ ચૂંટણી લડી ચૂક્યા છે. વિધાનસભા હોય, લોક્સભા હોય કે રાજ્યસભા હોય.