
- રેગિંગ મામલે ૭ જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.
અમદાવાદ,
અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગ ઘટના બની હતી. રેગિંગ મામલે ૭ જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. આ મામલે જોર પકડતા બી. જે. મેડિકલ કોલેજમાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનાર રેસિડેન્ટ ડોક્ટર પૈકી ૨ ડોક્ટરને ૩ ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને ૨ ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બી જે મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ ઇ૨ ડોક્ટર પર તેમના જ સિનિયર ઇ૩ ડો. ધવલ માંકડીયા, ડો. જયેશ ઠુમમર અને ડો. હર્ષ સુરેજા દ્વારા લાફા મારવામાં આવતા હતા, જૂત્તા મારવામાં આવતા હતા, બેલ્ટ વડે મારવામાં આવતા હતા,સીટઅપ્સ કરાવાતા,પ્લેનક્સ અને સ્કોટ્સ કરાવીને અવારનવાર રેગિંગ કરવામાં આવતું હતું. જ્યાં જુનિયર ડોક્ટરની ડ્યુટી હોય તે વૉર્ડમાં પણ સિનિયર ડોક્ટર દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું. આ મામલે જુનિયર વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટના વડા રાજેશ સોલંકીને ફરિયાદ કરી હતી. રાજેશ સોલંકીએ આ ફરિયાદ બીજે મેડિકલ કોલેજને ટ્રાન્સફર કરી હતી.
હર્ષ સુરેજાને જ્યારે નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારે તે રડી ગયો અને રડતા રડતા ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે અન્ય ૬-૭ લોકોએ હર્ષની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે, છેલ્લા ૩ મહિનાથી હર્ષ દ્વારા રેગિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી તેને ઓછી સજા કરવામાં આવી છે. રેગિંગ કરનાર ૩ ડોક્ટર પૈકી એકના પિતા હીરા ઘસવાનું કામ કરે છે અને એકના પિતા ખેડૂત છે.
બીજે મેડિકલ કોલેજ દ્વારા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા ભોગ બનનારના, રેગિંગ કરનાર, એચઓડી વૉર્ડમાં કામ કરતા અન્ય લોકોના આમ ૩૦થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિડિયો, ઓડિયો, તસવીરો સહિતના પૂરાવા પણ ચક્સવામાં આવ્યા હતા. આ પૂરાવા ચકાસીને એન્ટી રેગિંગ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
રેગિંગ કરનાર ૩ ડોક્ટર પૈકી હર્ષ સુરેજાએ રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારેની ભૂલ નહીં થાય તેવી બાયધરી આપી હતી. જ્યારે જયેશ ઠુમમર અને ધવલ માકડિયાએ કબૂલાત નહોતી કરી, પરંતુ તેમની વિરુદ્ધ પૂરાવા હતા. જયેશ ઠુમ્મર અને ધવલ માંકડિયાને ૩ ટર્મ એટલે દોઢ વર્ષ માટે અને હર્ષ સુરેજાને ૨ ટર્મ એટલે ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કર્યા બાદ ફરીથી જ્યારે ત્રણેય ડોક્ટર રિજોઈન કરશે, ત્યારે તેમની પાસેથી ડિપાર્ટમેન્ટનું ગુડ સટફિકેટ લેવામાં આવશે.
બી જે મેડિકલ કોલેજમાં છેલ્લે ૨૦૧૫-૧૬ના વર્ષમાં એક સર્જરીના ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. તે ઘટનામાં રેગિંગ કરનાર ડોક્ટરને ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરની ઘટનામાં સસ્પેન્ડ કરેલા ડોક્ટરને કેમ્પસ, હોસ્પિટલમાં, હોસ્ટેલ અને યુનિવસટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.