![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/07/IMG-20230729-WA0008-1024x539.jpg)
- દાહોદ નજીક વસ્તી પગાર શાળામાં 11 પૈકી 8 ઓરડા જર્જરીત બનતા ચોમાસામાં પતરાના શેડ નીચે શિક્ષણ મેળવતા બાળકો…
- શું આ છે ગુજરાતનો વિકાસ મોડલ.? આદિવાસી સમાજના બાળકો સાથે થતો અન્યાય.!!
- મહત્વકાંક્ષી જીલ્લામાં સામેલ દાહોદમાં સુવિધા યુક્ત ભણતરથી આદિવાસી સમાજના બાળકો વંચિત કેમ..? સળગતો સવાલ…
દાહોદ,દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આઝાદીના આ અમૃતકાળમાં મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લામાં સમગ્ર શિક્ષણ જગતને શરમાવે તેવી દુર્દશા જોવા મળી રહી છે. દાહોદ શહેરથી માત્ર 10 કિલોમીટરની અંતરે આવેલા ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં આવેલી વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં જર્જરીત અને જોખમી બનેલા ઓરડાના પગલે 525 જેટલા આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓ ઠેકઠેકાણે કાણા પડેલા પતરાના શેડમાં ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે ભણતર મેળવવા મજબૂર બની રહ્યા છે. જોકે આવી બદતર હાલતમાં ચોમાસાની ઋતુ દરમિયાન ચાલુ શૈક્ષણિક કાર્યમાં વરસાદનું વિઘ્ન પડે તો આદિવાસી સમાજના બાળકો પોતાને અને પોતાના ચોપડાને વરસાદી પાણીમાં ભિંજતા બચાવવા માટે જર્જરીત ઓરડામાં મોતના ઓથાર હેઠળ આશરો લઈ પોતાની કમનસીબીને કોસી રહ્યા છે. એટલું જ નહીં આ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે અદ્યતન ટેકનોલોજી તેમજ સુખ સુવિધાથી સંપન્ન શિક્ષણ આપવા માટે કોમ્પ્યુટર તેમજ વિશાળ એલ.ઈ.ડી.ટીવી ગોઠવી તો દીધા છે પરંતુ જર્જરીત ઓરડાના ધાબા પરથી ટપકતા પાણીથી ક્લાસરૂમમાં ગોઠવેલા આ તમામ યાંત્રિક સાધનો વરસાદી પાણીમાં ખરાબ થઈ જવાની કગાર પર છે.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/07/IMG-20230729-WA0007-2-1024x573.jpg)
ભારતને આઝાદી મળ્યાના સાત વર્ષ પછી એટલે 1954 માં ચુના માટીની દીવાલ સાથે નળિયાવાળી 11 ઓરડા સાથે અસ્તિત્વમાં આવેલી વસ્તી પગાર પ્રાથમિક શાળા આઝાદીના 75 વર્ષ પછી ખખડધજ હાલતમાં પહોંચી જવા પામી છે. જોકે 2004માં ગુજરાત સરકારમાં તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદી પટેલ ના કાર્યકાળ દરમિયાન આ શાળાના અચ્છે દિવસ આવ્યા હતા. જેમાં આ શાળા નવેસરથી બનાવવાની જગ્યાએ નળિયા હટાવી ચૂના માટીની દીવાલ ઉપર આર સી સી નું ધાબુ નાખી શાળાને શૈક્ષણિક કાર્ય માટે સોંપી દેવામાં આવી હતી. અને ત્યારબાદ બદલાતા સમયના વેણમાં આ શાળાના 11માંથી આઠ ઓરડા જર્જરિત હાલતમાં પહોંચ્યા હતા. એટલું જ નહીં આ જર્જરીત ઓરડાવાળી શાળામાં દસ દિવસ પહેલા ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષક ઉપર ધાબાના પોપડા પડતા શિક્ષકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી . જે બાદ તેઓને નજીકના હોસ્પિટલ લઈ જઈ દવા સારવાર કરાવી હતી અને આ જર્જરિત શાળાનો સમગ્ર અહેવાલ સંબંધિત વિભાગો તેમજ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પાસે મોકલી નવીન શાળા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી . પરંતુ કોઈ યોગ્ય નિકાલ ન આવતા આખરે શાળા સંચાલકોએ 525 વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમય બને તે માટે પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારી પાસે બે પાળીમાં શાળા ચલાવવાની મંજૂરી મેળવી આ વર્ષથી અમલમાં આવેલી બાલ વાટિકા ના વિદ્યાર્થીઓ મળી કુલ 525 વિદ્યાર્થીઓને બે પાળીમાં ઠેકઠેકાણે કાણા પડેલા પતરા ના શેડમાં અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ હાલ ચોમાસાના સમયમાં પતરા ના શેડ નીચે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન જો વરસાદનો વિઘ્ન નડે તો વિદ્યાર્થીઓ પોતે અને પોતાના પુસ્તકો ચોપડાઓ વરસાદમાં ન પલડે તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરી જર્જરીત ઓરડામાં મોતના ઓથાર હેઠળ આશરો લઈ વરસાદ રોકાવાની રાહ જોતા નજરે પડે છે. એટલું જ નહીં વરસાદ રોકાયા બાદ શેડ નીચે જે વરસાદી પાણી જમા થાય છે અથવા વરસાદી પાણીથી ત્યાંની જમીન પલળી જાય તો તે જગ્યા જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય ખોરવાઈ જાય છે. એટલું જ નહીં આ જ કેમ્પસમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી મોડલ સ્કૂલ પણ આવેલી છે. જેમાં ઓરડાની સુવિધા તો છે.પરંતુ બાળકોને જમવા માટેની મેસ ન હોવાથી બંને શાળાના બાળકો કાદવ કીચડ વાળા સામ્રાજ્યમાં શાળાના મેદાનમાં જઠાઅગ્નિ ઠારવી સંતોષ માની રહ્યા છે.આમ તો ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ યોજે છે જેમાં સરકારના તમામ મંત્રીઓ વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમમાં ભાગ લેવા જાય છે. અને સિલેક્ટેડ શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરી પોતાની પીઠ થપથપાવે છે. પરંતુ આવા મંત્રીઓ અથવા સરકારી બાબુઓ આવી જર્જરીત ઓરડાવાળી સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કેમ નથી કરતા ? સરકારી બાબુઓ તેમજ મંત્રીઓ પોતાના બાળકોને આવી જર્જરીત ઓરડાવાળી શાળામાં અભ્યાસ કરવા માટે કેમ નથી મોકલતા. ?
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/07/IMG-20230729-WA0006-1-1024x573.jpg)
શું આદિવાસી સમાજના બાળકો માણસ નથી? તેમને અધતન ટેકનોલોજી તેમજ સુવિધાયુક્ત અભ્યાસ મેળવવાનો કોઈ હક નથી.
આમ, તો આ જીલ્લામાંથી મોટાભાગના આદિવાસી પરિવારો રોજીરોટીના અભાવે પરિવારજનો તેમજ બાળકો સાથે મજૂરી અર્થે ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં હિજરત કરી ગયા છે. જેના પગલે તેમનો સર્વાંગી વિકાસ અટકાઈ ગયો છે. તેઓ વિકાસની મુખ્ય ધારાથી અછુતા થઈ ગયા છે. ત્યારે બાકી બચેલા આ ગરીબ અને પછાત આદિવાસી સમાજના બાળકો આવી દુર્દશા વચ્ચે સૌનો સાથ સૌનો વિકાસના નારા વચ્ચે દુવિધાઓથી ભરપૂર અભ્યાસ મેળવી વિશ્ર્વ ફલક પર ક્રાંતિ લાવનાર ભારત દેશમાં જન્મ્યા હોવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ ટ્રાયબલ બેલ્ટ ગણાતા દાહોદ જીલ્લાને મહત્વાકાંક્ષી જીલ્લામાં કેન્દ્ર સરકારે સમાવેશ કર્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકારને અઢળક યોજનાઓ પણ અમલમાં છે. પરંતુ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જીલ્લામાં છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવ્યા હોવાના દાવાઓની પોલ પણ ખુલી જવા પામી છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને આટલી બધી યોજનાઓ જો સરકારે અમલમાં મૂકી હોય આટલો બધો સરકાર દ્વારા ફાળવવામાં આવેલો રૂપિયો ક્યાં ગયો.? કોનો વિકાસ થયો.? તેની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તો કમ સે કમ આદિવાસી સમાજના હકો છીનવનાર તત્વો પણ ખુલ્લા પડે તેમ છે.