અયોધ્યા માં રામલલા વિરાજમાન

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ અને પોષ માસ, શુકલ પક્ષ, દ્વાદશી તિથિ, અભિજીત મુહૂર્તની વિશેષ ૮૪ સેકંડ સદાય માટે ભારતીય ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે. આ દિવસે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં નવી રામ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્સાહથી કહ્યું કે રામલલા હવે તંબુમાં નહીં રહે. તેમણે ભાવવિભોર થઈને કહ્યું કે આપણા રામ આવી ગયા છે. દુનિયા જોઈ રહી છે, સનાતન બહુલ દેશના વડાપ્રધાને રાષ્ટ્રના એક પ્રિય આરાધ્યની ક્ષમા માગતાં કહ્યું કે અમારા પ્રયાસ, ત્યાગ અને તપસ્યામાં કંઇક ખામી રહી ગઈ હશે એટલે જ આટલી સદીઓથી અમે આ કામ ન કરી શક્યા. વડાપ્રધાનના ઉદ્ગારથી સહજ સમજી શકાય છે, જે લોકોને રામમંદિર આંદોલન યાદ છે, તેમના માટે આ નિર્ણાયક અને પ્રભાવી વળાંક છે. આશ્ચર્ય નહીં કે દેશની અનેક વિભૂતિઓ સાક્ષી બનવા માટે આમંત્રણ મળતાં દોડી આવી. આખા દેશમાં અગણિત ઘરો અને વાહનો પર લહેરાતા રામ ધ્વજે સમગ્ર પરિવેશને અયોધ્યા મય બનાવી દીધું.

આ પ્રાણ પ્રતિષ્ઠાએ લગભગ પાંચ સદીથી ઉદાસ અયોધ્યા ના ખૂણેખૂણાને જગાડી દીધો છે. દેશભરમાં જાતજાતનાં આયોજનો અને દીપસજ્જાએ બીજી દિવાળીનો અહેસાસ કરાવ્યો. લોકો પોતપોતાની રીતે દુનિયાભરમાં આનંદ મનાવી રહ્યા છે. વડાપ્રધાને યોગ્ય જ કહ્યું કે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ કેલેન્ડર પર લખેલ તારીખ માત્ર નથી, આ એક નવા સમય-ચક્રની ઉત્પત્તિ છે. મતલબ, રામ મંદિર બાદ આ સ્વતંત્ર ભારતની નવી યાત્રા છે. મે ૧૯૫૧માં જ્યારે સોમનાથ મંદિરનો ર્જીણોદ્ઘાર થયો હતો, ત્યારે તેને લઈને વડાપ્રધાન નેહરુ સહમત ન હતા, હાલમાં પણ એ જ કોંગ્રેસ સહિત વિપક્ષો આ પ્રસંગે સહમત નથી, પણ આખું ભારત ઇચ્છતું હતું કે રામ મંદિર બનવું જોઇએ. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુસ્લિમો અને અન્ય ધર્મોના લોકોની પણ ભાગીદારી રહી છે. ધીમે ધીમે ન્યાયાલયમાં બનેલ સહમતિની વિશેષ ભૂમિકા છે, જેને હંમેશાં યાદ રાખવામાં આવશે, નહિતર આ દુનિયામાં મજહબ કે વિચારધારાના નામ પર અનેક પ્રસંગે આપણે એક્તરફી મનમાનીનો પ્રકોપ જોયો છે. સદીઓની પ્રતીક્ષા બાદ રામલલા જ્યારે પોતાના ભવ્ય ભવનમાં વિરાજમાન થયા છે, ત્યારે અનાયાસ તુલસીદાસના રાજા રામની યાદ આવે છે, જેમણે રાજા રૂપે પોતાના પહેલા જ સંબોધનમાં કહ્યું હતું, પરહિત સરિસ ધર્મ નહિ ભાઇ, પર પીડા સમ નહિ અધમાઈ. અર્થાત્, બીજાની ભલાઈ સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ પહોંચાડવા સમાન કોઈ નીચતા કે પાપ નથી. આ દેશમાં મહાત્મા ગાંધીએ પણ રામ રાજ્યનું સપનું જોયું હતું, શું તેને સાકાર કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ? લોક્તંત્ર, ન્યાય, તાર્કિકતા , શાસ્તરાર્થને પોતાના સ્વભાવમાં વણી લેનાર આ દેશમાં આ પ્રશ્ર્ન અસ્થાને નથી. આ મંદિર નિર્માણનો પ્રભાવ જનમાનસ પર અવશ્ય પડવો જોઇએ. સનાતન સમાજનો ઉત્સાહ વધ્યો છે, તો સકારાત્મક્તાનો પણ વિસ્તાર થવો જોઇએ. યાદ રહે, પૌરાણિક નગરી અયોધ્યાની રોનક વસ્તુત: રામની નીતિઓને કારણે છે. રામે ખુદ કહ્યું હતું કે જો હું કંઇક અનીતિની વાત કહું તો ભય ન રાખતાં મને રોકી દેજો. ભારતમાં આટલી વિવિધતા અને પડકારો છતાં લોક્તંત્ર છે, તો તેના પાયામાં રામ ભાવ પણ છે અને આ રામ ભાવને સાચવવાનો સમય છે.