અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! પોલીસ વિભાગમાં ખળભળાટ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઘણી જગ્યાએ શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા પત્રો મળ્યા છે. ધમકીભર્યા પત્રમાં મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો છે. આ મોબાઈલ નંબર કોઈ યુવતીનો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

દરરોજ લાખો ભક્તો અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે આ દરમિયાન અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત લખનઉં બક્ષી કા તાલાબ (BKT) પોલીસ સ્ટેશનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પછી પોલીસ વિભાગ સતર્ક બન્યુ છે અને સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

સીતાપુર રોડની બાજુમાં આવેલી પાલ રેસ્ટોરન્ટમાં પોલીસને ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પછી મંદિરની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં અનેક વાંધાજનક શબ્દો અને એક યુવતીનો નંબર પણ લખવામાં આવ્યો છે. પત્રમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડી શકે તેવા અન્ય વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસે પત્રમાં લખેલ યુવતીનો નંબર ડાયલ કર્યો તો જાણવા મળ્યું કે આ પ્રકારના પત્ર ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવી રહ્યા હતા. તેમાં તે છોકરીનો નંબર લખેલો છે.

બે દિવસ પહેલા આ જ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં ઝોયા ખાન અને ઝુબેર ખાનના નામનો ઉલ્લેખ છે. આ મામલો બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ રેસ્ટોરન્ટનો છે.