અયોધ્યાના દર્શન માટે ગયેલા ત્રીજા ગુજરાતીનું મોત, ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો

વડોદરા, અયોધ્યા માં નવનિર્મિત રામ મંદિરના દર્શને જઈ રહેલા ગુજરાતીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વધુ એક રામભક્તનું રામલલ્લાના દર્શનથી પરત ફરતા સમયે મોત થયું છે. અયોધ્યા

માં રામલ્લલાના દર્શન કરી પરત ફરતા વડોદરાના મજાતન ગામના રામભક્તને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ ટ્રેનમાં જ ઢળી પડ્યા. સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા

વડોદરાના પાદરા તાલુકાના મજાતન ગામના રહેવાસી અને રામભક્ત અશોકભાઈ પુંજાભાઈ પરમાર રામ મંદિરના દર્શન માટે અયોધ્યા ગયા હતા. તેઓ દર્શન કરીને ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના જબલપુર નજીક વહેલી સવારે અચાનક તેમની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ટ્રેનમાં જ ઢળી પડ્યા હતા. ચાલુ ટ્રેનમાં આવેલા હાર્ટ એટેકથી અશોકભાઈનું મોત નિપજ્યુ હતું.

રામભક્તના મોતથી તેમની સાથે ગયેલા ભક્તોમાં શોકનું મોજુ પ્રસરી ગયુ હતું. તાત્કાલિક પાદરા રહેતા તેમના પરિવારજનોને આ વિશે જાણ કરાઈ હતી. જેથી તેમનો પરિવાર મૃતદેહને લેવા માટે જબલપુરની સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમના મૃતદેહને વતન મજાતન લાવીને તેમના અંતિમ સંસ્કાર કરાશે.

ઉલ્લેખનીય છે કે, રામભક્તોના મોતનો સિલસિલો ચાલુ જ છે. ૧૫ દિવસ પહેલા આસ્થા ટ્રેનથી અયોયા જતા વડોદરાના ભાવિકને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. વડોદરાના રમણભાઈ પાટણવાડીયાનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. તેઓ ગત રોજ વડોદરાથી આસ્થા ટ્રેન મારફતે શહેરના ભક્તો સાથે અયોધ્યા જવા નીકળ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશ ખંડવા સ્ટેશન પાસે રમણભાઈને હાર્ટ એટેક આવ્યો હતો.

દિયોદરના નોખા ગામના રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોરનું અયોધ્યા માં હાર્ટએટેકથી નિધન થયું છે. અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન ગોરધનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ અટેકથી ઢળી પડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.