
લખનૌ,
રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અયોધ્યામાં બની રહેલી મસ્જિદનું બાંધકામ આગામી વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂરું થવાની શક્યતા છે. મસ્જિદના કન્સ્ટ્રક્શનની જવાબદારી સંભાળતા ટ્રસ્ટે આવી માહિતી આપી છે.
ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરી અથર હુસૈને જણાવ્યું હતું કે, ’અમને ચાલુ મહિનો પૂરો થતા સુધીમાં અયોયા ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી પ્રસ્તાવિત મસ્જિદ, હોસ્પિટલ, લાઇબ્રેરી, રિસર્ચ સેન્ટર સહિતના નકશાની મંજૂરી મળવાની આશા છે.
અમે ત્યાર પછી તરત મસ્જિદનું બાંધકામ શરૂ કરીશું.’ તેમણે કહ્યું હતું કે, ’ધન્નીપુર અયોધ્યા મસ્જિદનું બાંધકામ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરું થવાની શક્યતા છે. ત્યાર પછી પાંચ એકરની જમીનમાં તૈયાર થનારા મૌલવી અહમદુલ્લાહ શાહ કોમ્પ્લેક્સની બાકીની ઇમારતો પૂરી કરાશે.’ ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી ચાલતા અયોધ્યા વિવાદમાં એક સમયે બાબરી મસ્જિદ હતી એ સ્થળે ૨.૭૭ એકરના પ્લોટમાં રામ મંદિરના બાંધકામનો આદેશ આપ્યો હતો.
કોર્ટે આ જ ચુકાદામાં ઉત્તર પ્રદેશના જિલ્લામાં મસ્જિદના બાંધકામ માટે પાંચ એકર જમીન ફાળવવા નિર્દેશ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઓગસ્ટ ૨૦૨૦માં અત્યારે બની રહેલા રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૨૪થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. ૨૦૨૪ના શરૂઆતના મહિનાઓમાં લોક્સભા ચૂંટણી છે ત્યારે મંદિર અને મસ્જિદનું બાંધકામ પૂરું થવાનો સમય ઘણો મહત્વનો બને છે.