અયોધ્યામાં રામમંદિર 2023માં બનીને તૈયાર થઈ જશે

 અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભૂમિપૂજનના એક વર્ષ થયા પછી ભક્તો માટે આનંદના સમાચાર છે. શ્રદ્ધાળુઓ ૨૦૨૩નું વર્ષ પૂરું થતાં પહેલા જ ભવ્ય રામમંદિરનું દર્શન અને પૂજા કરી શકશે. જ્યારે સમગ્ર રામમંદિર સંકુલનું બાંધકામ ૨૦૨૫ના અંત સુધીમાં પૂરુ થવાની આશા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે આ લક્ષ્‍યને હાંસલ કરવા માટે તેને બાંધકામની સમયબદ્ધ કાર્યયોજના બનાવી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ભવ્ય રામમંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રામમંદિરનો શિલાન્યાસ કર્યો. તે સમયથી જ રામલલાના મંદિરના બાંધકામનો પ્રારંભ થઈ ગયો હતો. મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૩માં આ મંદિરનું ઉદઘાટન કરશે.

જો કે તેના દર્શનની સાથે-સાથે બીજા અને ત્રીજા માળનું નિર્માણકાર્ય જારી રહેશે. ૨૦૨૫ સુધીમાં મંદિરનું સમગ્ર સંકુલ બની જશે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પાંચ એકરમાં ફેલાયેલું હશે અને સમગ્ર સંકુલ ૭૦ એકરમાં ફેલાયેલું હશે. સંપૂર્ણ સંકુલ ઇકોફ્રેન્ડલી હશે. સંકુલમાંથી નીકળતું પાણી રામનગરી માટે મુશ્કેલરુપ ન બને તે માટે સીવર ટ્રીટમેન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવશે. સંકુલમાં મોટાપાયા પર વૃક્ષાચ્છાદિત હશે, જેથી ઓક્સિજન લેવલ અને તાપમાન યોગ્ય રહે. આ દરમિયાન તેના બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પથ્થર અને અન્ય સામગ્રીની પણ સમીક્ષા કરી લેવાઈ છે. પરકોટાને બનાવવા માટે જોધપુરથી ચાર લાખ ઘનફૂટ, પ્લિન્થ બનાવવા ગ્રેનાઇટ તેમજ મિરઝાપુરથી ચાર લાખ ઘનફૂટ, મંદિર બનાવવામાં બંસી પહાડપુરથી ત્રણ લાખ ઘનફૂટ પથ્થર પૂરા પાડવામાં આવશે. પાણીના આક્રમણથી મંદિરને બચાવવા માટે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રિટેનિંગ વોલ બનાવવામાં આવશે.