
સિડની,
ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૩ની શરૂઆત ગઈકાલે જ થઈ ગઈ છે. આ ગ્રાન્ડ સ્લેમમાં રશિયા-યુક્રેન યુદ્ધની અસર ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોવા મળી રહી છે. યુક્રેનના વિરોધ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રશિયા અને બેલારુસના ધ્વજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટેનિસ ઓસ્ટ્રેલિયાએ આજે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રશિયન અને બેલારુસના ધ્વજ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુક્રેનના રાજદૂતના વિરોધ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન ઓપનમાં ગઈકાલે રશિયન ટેનિસ ખેલાડી કામિલા રાખીમોવા અને યુક્રેનની કેટરીના બેન્ડલ વચ્ચે પ્રથમ રાઉન્ડનો મેચ રમાયો હતો. આ મેચ દરમિયાન રશિયન ધ્વજ પણ દેખાયા હતા. ટેનિસ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રશિયા અને બેલારુસના ધ્વજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટેનિસ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે અમારી પ્રારંભિક નીતિ એવી હતી કે ચાહકો અંદર ધ્વજ લાવી શકે પરંતુ તેનો ઉપયોગ કોઈપણ વિક્ષેપ પેદા કરવા માટે કરી શકશે નહીં. અમને ગઈકાલે એક ઘટનાની જાણ થઈ હતી. અમને માહિતી મળી હતી કે કોર્ટની સામે ધ્વજ લગાવવામાં આવ્યો છે. આ ઘટના બાદ અમે અસરકારક રીતે પ્રતિબંધ લગાવ્યો હતો.