ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: જયદેવ ઉનડકટની વાપસી

નવીદિલ્હી,

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ જ દિવસમાં મેચ જીતી લીધી છે. બીજી ટેસ્ટ પૂર્ણ થયાની થોડી જ વારમાં અંતિમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરવામાં આવ્યું છે. આમ તો ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ બીજી મેચમાં રિલિઝ થયેલા જયદેવ ઉનડકટની ફરી ટીમમાં વાપસી થઈ છે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં આ ટીમ હવે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ૨-૦ની લીડને ૪-૦ની ઐતિહાસિક જીતમાં બદલવા મેદાને ઉતરશે.

બીજી ટેસ્ટ દરમિયાન ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ટીમમાંથી રિલિઝ કરવામાં આવ્યો હતો કેમ કે તે રણજી ટ્રોફીનો ફાઈનલ મુકાબલો રમવા માટે ગયો હતો. હવે સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીનો ખીતાબ જીતી લીધી છે આવામાં તેને ફરીથી ટીમ ઈન્ડિયા સાથે જોડવામાં આવશે. જયદેવ અંતિમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનશે.

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. બીસીસીઆઈએ પોતાની વન-ડે સ્કવોડમાં હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપી છે. શ્રેણીમાં તેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પહેલી વન-ડે મેચમાં રોહિતની ગેરહાજરીમાં હાર્દિક ટીમનું સુકાન સંભાળશે. જ્યારે બાકીની બે મેચમાં રોહિત જવાબદારી સંભાળશે. આ સાથે જ જયદેવ ઉનડકટને ૧૦ વર્ષ બાદ ફરી વન-ડે ટીમમાં તક આપવામાં આવી છે.

જે મોહમ્મદ શમી, સિરાજ, મલિક, શાર્દૂલ સાથે ફાસ્ટ બોલિંગ એટેક સંભાળશે. આ ટીમમાં જસપ્રિત બુમરાહને તક આપવામાં આવી છે. આ સ્કવોડમાં પાંચ સ્પીનરોને સામેલ કરવામાં આવ્યા છે જેમાં જાડેજા, કુલદીપ, વોશિંગ્ટન, ચહલ અને અક્ષરનો સમાવેશ થાય છે. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૭, ૧૯ અને ૨૨ માર્ચ એમ ત્રણ વન-ડે મેચ રમાશે.

અંતિમ બે ટેસ્ટ માટેની ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ, શુભમન ગીલ, ચેતેશ્ર્વર પુજારા, વિરાટ કોહલી, કે.એસ.ભરત (વિકેટકિપર), ઈશાન કિશન (વિકેટકિપર), આર.અશ્ર્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ

વન-ડે માટેની ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કે.એલ.રાહુલ, ઈશાન કિશન (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ, ઉમરાન મલિક, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ