ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે હવે ટેસ્ટ બાદ વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે હવે ટેસ્ટ બાદ વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી વોર્નરની ભાવિ યોજનાઓ અંગે ઘણી ચર્ચાઓ હતી. વોર્નરે વનડેમાંથી પણ આચનક નિવૃત્તિ લેતા અનેક સવાલો ઊભા થયા છે.

ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું છે. તેણે હવે ODI ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે વોર્નરે પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે તે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે તેની છેલ્લી ટેસ્ટ રમશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરીથી સિડની ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટની શરૂઆત પહેલા જ વોર્નરે હવે ODI ક્રિકેટમાંથી પણ વિદાય લેવાની જાહેરાત કરી દીધી છે.

ડેવિડ વોર્નરની ટેસ્ટ ક્રિકેટ છોડવાની જાહેરાત સાથે જ અનેક સવાલો ઉભા થવા લાગ્યા હતા. સવાલ એ છે કે ટેસ્ટ છોડ્યા બાદ તે ક્રિકેટના અન્ય ફોર્મેટમાં કેટલો સમય રમશે? ઓસ્ટ્રેલિયન ટીમમાં તેનું ભવિષ્ય કેવું હશે? પરંતુ વધુ રાહ જોયા વિના વોર્નરે હવે તે પ્રશ્નોના જવાબો આપવાનું શરૂ કર્યું છે અને ODI ક્રિકેટમાંથી તેની નિવૃત્તિની જાહેરાત તેનું મોટું ઉદાહરણ છે.

ડેવિડ વોર્નરે સિડનીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની છેલ્લી ટેસ્ટ પહેલા, તે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો, જ્યાં તેણે કહ્યું હતું કે તે ટેસ્ટ અને વનડે બંનેમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે ભારત સામે રમાયેલ વર્લ્ડ કપ ફાઈનલ મેચ ડેવિડ વોર્નરની કારકિર્દીની છેલ્લી વનડે હશે.

ડેવિડ વોર્નરની વનડે કારકિર્દી 14 વર્ષ સુધી ચાલી હતી. 2009માં ડેબ્યૂ કર્યા બાદ, તેણે વર્ષ 2023માં ODI ક્રિકેટમાં તેની છેલ્લી મેચ રમી હતી. તેણે તેની ODI કારકિર્દીમાં કુલ 161 મેચ રમી, જેમાં તેણે 45.30ની એવરેજથી 6932 રન બનાવ્યા. વનડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 179 રન હતો. તેણે 22 સદી અને 33 અડધી સદી ફટકારી હતી. આ સિવાય ક્રિકેટના આ ફોર્મેટમાં વોર્નરે 733 ફોર અને 130 સિક્સર ફટકારી છે. ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વોર્નર છઠ્ઠો બેટ્સમેન છે.

જો કે, ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લીધા બાદ સવાલ એ ઊભો થાય છે કે વોર્નર T20માં રમશે? તો તેનો જવાબ છે હા. વોર્નર ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતો રહેશે. પરંતુ વોર્નર T20 ફોર્મેટમાં કયા સુધી રમે છે તે મોટો સવાલ છે.