ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આગામી માર્ચ મહિનામાં ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે.

ગાંધીનગર,

વડાપ્રધાન અલ્બેનીઝ ૮ માર્ચે બપોરે અમદાવાદ આવશે. અહીંયા તેઓ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાર્તાલાપ કરશે અને ત્યારબાદ સાંજે અમદાવાદમાં એક શૈક્ષણિક કાર્યક્રમની અધ્યક્ષતા કરશે, એવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચેના સહયોગને આગળ વધારવા શિક્ષણના ક્ષેત્રમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. ત્યારબાદ ૯ માર્ચેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ નિહાળશે. મે ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ અલ્બેનીઝ અને મોદી વચ્ચે આ ચોથી બેઠક હશે.