નવીદિલ્હી,ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ વર્ષોથી યથાવત છે પછી તે વર્લ્ડ કપની વાત હોય કે પછી દ્વિપક્ષીય શ્રેણી. પરંતુ આ વખતે વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થતી જોવા મળી રહી છે. પહેલા ટીમને ભારતના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ પણ કાંગારૂ ટીમને ખરાબ રીતે કચડી નાંખી હતી.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે પોતાના જ પગ પર કુહાડી મારી દીધી છે, જેના કારણે તેને મોટો દંડ ભરવો પડી શકે છે.
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને ૩૧૨ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કાંગારૂ ટીમના બેટ્સમેનો આવતાની સાથે જ દબાણમાં દેખાયા હતા. ઓસ્ટ્રેલિયાએ ૧૦૦ રનની અંદર તેના ૫ બેટ્સમેન ગુમાવી દીધા હતા. આ દરમિયાન જ્યારે માર્કસ સ્ટોઇનિસનો વારો આવ્યો ત્યારે તે પણ સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ તેને પોતાની વિકેટ પર વિશ્ર્વાસ થયો નહોતો. સ્ટોઇનિસે બોલને વાઈડમાં ફટકાર્યો હતો જેના કારણે તેના ગ્લોવ્સ અલ્ટ્રા એજ દરમિયાન બોલને સ્પર્શતા જોવા મળ્યા હતા. વિકેટ બાદ સ્ટોઇનિસ પણ અમ્પાયરોથી નાખુશ દેખાયો હતો. તેણે પેવેલિયન તરફ જતાં અમ્પાયર સાથે લાંબા સમય સુધી વાત કરી હતી. અમ્પાયરના નિર્ણયને લઈને સ્ટોઈનિસની ચર્ચા તેના માટે ખૂબ જ નુક્સાનકારક સાબિત થઈ શકે છે. તેને મેચ ફી કરતા પણ મોટો દંડ ભરવો પડી શકે છે.
માત્ર સ્ટોઇનિસ જ નહીં પરંતુ આ પહેલા સ્મિથ પણ તેની વિકેટથી ખૂબ જ આશ્ર્ચર્યચક્તિ જોવા મળ્યો હતો. રબાડાના ઝડપી બોલથી સ્મિથનો માત ખાઇ ગયો હતો અને બોલ સીધો પેડ્સ પર વાગ્યો હતો. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો પરંતુ કેપ્ટન ટેમ્બા બાવુમાએ રિવ્યુ લીધો અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. જે બાદ સ્મિથ સ્ક્રીન પર પણ વિશ્ર્વાસ કરી શક્યો નહતો.
દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકે શાનદાર સદી ફટકારી હતી. તેણે આ મેચમાં સતત બીજી સદી ફટકારી હતી. આ પહેલા તેણે શ્રીલંકા સામેની મેચમાં સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકન બોલરો દ્વારા મચેલો કહેર એટલો દેખાતો હતો કે ઓસ્ટ્રેલિયન ટીમ ૨૦૦ રન પહેલા જ આઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ આ મેચ ૧૩૪ રને જીતી લીધી હતી.