
ઓસ્ટ્રેલિયાના કેઇર્ન્સ શહેરના હિલ્ટન વિસ્તારમાં આવેલી ડબલ ટ્રી નામની હોટેલની છત સાથે હેલિકોપ્ટર અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હેલિકોપ્ટર ૧૦ હજાર ફૂટની ઊંચાઈથી અચાનક હોટલની છત પર પડ્યું હતું અને તેની સાથે જ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. દુર્ઘટના બાદ તરત જ હોટલને ખાલી કરાવવામાં આવી હતી અને ૪૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં પાયલટ અને એક મુસાફરનું મૃત્યુ થયું છે.
અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે હોટેલની છત પર હેલિકોપ્ટર અથડાયા બાદ હોટલના સેંકડો મહેમાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. સોમવારે સવારે લગભગ ૨ વાગ્યે હોટેલમાં દુર્ઘટના માટે ઇમરજન્સી ક્રૂને બોલાવવામાં આવ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે. અહેવાલ છે કે હેલિકોપ્ટરના બે પ્રોપેલર અટકી ગયા હતા, ત્યારબાદ હેલિકોપ્ટર હોટલની છત સાથે અથડાયું હતું અને ક્રેશ થયું હતું. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં હોટલની છત પર આગ લાગી હોય એવું દેખાઈ છે. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટરના બે પ્રોપેલર તૂટી ગયા છે. આમાંથી એક હોટલના પૂલમાં પડી ગયો છે.