ઓસ્ટ્રેલિયા – આફ્રિકાના મેચમાં સ્ટોઈનિસ-સ્મિથની વિકેટ ઉપર વિવાદ થયો

મુંબઇ, વિશ્ર્વકપની ૧૦મી મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ૧૩૪ રનથી હરાવ્યું હતું. જો કે આ મેચમાં થર્ડ અમ્પાયરેના ઘણા નિર્ણયો લીધા હતા જેમાં વિવાદ થયો છે. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન સ્ટીવ સ્મિથ અને માર્કસ સ્ટોઈનિસ વિવાદિત આઉટના શિકાર બન્યા હતા.

મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન ૧૦મી ઓવરના પાંચમાં બોલ પર પહેલી ઘટના બની જેમાં સ્ટીવ સ્મિથના પેડ પર બોલ વાગતા આફ્રિકાના ખેલાડી દ્વારા એલબીડબ્લ્યુ આઉટની અપીલ કરવામાં આવી હતી જેને ઓનફિલ્ડ અમ્પાયરે નકારી કાઢી હતી અને નોટઆઉટ આપ્યો હતો. જો કે આફ્રિકાના કેપ્ટને રિવ્યુ લીધો હતો જેમાં રી-પ્લેમાં જોવા મળ્યુ હતું કે સમિથે જે પ્રકારે સ્ટાન્સ લીધો હતો તેમાં ઓફ સ્ટમ્પ દેખાઈ રહ્યો હતો અને બોલ તેના ડાબા પગમાં વાગ્યો હતો. એવુ લાગી રહ્યું હતું કે બોલ લેગ સ્ટમ્પને મિસ કરશે પણ ડિસિઝન રિવ્યુ સિસ્ટમમાં બોલ સીધી જ સ્ટમ્પને અથડાયો હતો અને તેને થર્ડ અમ્પાયરે એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો. આ નિર્ણયથી ઓનફિલ્ડ અમ્પાયર પણ ચોંકી ગયા હતા અને સ્મિથ પણ આ ડિસિઝન પર વિશ્ર્વાસ કરી શ્કયો ન હતો.

સ્મિથ બાદ ૧૮મી ઓવરમાં સ્ટોઈનિસની વિકેટ પણ વિવાદોમાં રહી હતી. રબાડાની ઓવરના બીજી બોલ લેગ સ્ટમ્પ પર ફેંક્યો હતો જે બોલને સ્ટોઈનિસ રમવા જતા બોલ તેના હાથથી અને કમરથી ખુબ જ નજીકથી પસાર થયો હતો અને વિકેટ કીપર ડિ કોકે તેને ક્લેક્ટ કર્યો હતો. આ બોલ પર આફ્રિકાના ખેલાડીઓએ કેચની અપીલ કરી હતી જેના પર પહેલા ઓન ફિલ્ડ અમ્પાયરે લેંગ અમ્પાયરને પૂછ્યું ત્યારે લેગ અમ્પાયરે થર્ડ અમ્પાયરે રિફર કરવાનું કહ્યું હતું. જ્યારે રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ સ્ટોઈનિસના જમણા હાથના ગ્લોવ્સ પર અડ્યો હતો પણ તેનો હાથ બેટને સ્પર્શતો ન હતો. થર્ડ અમ્પાયરને લાગ્યું કે તેના ગ્લોવ્સ બેટને સ્પર્શી રહ્યા છે અને બોલ ગ્લોવ્સને અડીને વિકેટ કિપર પાસે ગયો છે એટલે તેને આઉટ જાહેર કર્યો હતો. જો કે રિવ્યુમાં જોઈ શકાયું હતું કે સ્ટોઈનિસનો ડાબો હાથ જ બેટના સંપર્કમાં હતો જ્યારે બોલ પસાર થવાના સમયે અને મીટર લાઈન સ્પાઈક દરમિયાન જમણો હાથ બેટથી અલગ હતો પરંતુ અંતે તેણે થર્ડ અમ્પાયરનો નિર્ણય સ્વીકારવો પડ્યો હતો.

સ્ટોઈનિસની આ વિકેટને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા ફેન્સ અમ્પાયરિંગની ટીકા કરી રહ્યા છે. મેચમાં રિચાર્ડ કેટલબરો થર્ડ અમ્પાયર હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કેચ આઉટનો નિયમ એ છે કે જો બોલ તે ગ્લોવ્સને અડે અને તે હાથે બેટને પકડ્યું ન હોય તો તે બેટ્સમેનને આઉટ આપી ન શકાય, જો કે આ વિવાદ પર હજુ સુધી અમ્પાયરની સ્પષ્ટતા આવવાની બાકી છે.