
ઔરંગઝેબ કબર વિવાદ મામલે મહારાષ્ટ્રમાં હિન્દુ સંગઠનોએ સોમવારે રાજ્યભરમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ નાગપુરમાં ઔરંગઝેબના પૂતળાનું દહન કર્યું હતું. એમાં કથિત રીતે વાંધાજનક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. નાગપુરના મહલ વિસ્તારમાં સાંજે 7.30 વાગ્યે હિંસા ફાટી નીકળી હતી. આ પછી પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ. તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો હતો અને રોડ પર પાર્ક કરેલાં ડઝનબંધ વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી.
પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. DCP નિકેતન કદમ કુહાડીથી થયેલા હુમલામાં ઘાયલ થયા હતા. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. રાત્રે 10.30 થી 11.30 દરમિયાન બીજી અથડામણ હંસપુરી વિસ્તારમાં થઈ હતી.

તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો અને રસ્તાની બાજુમાં આવેલાં વાહનોને આગ ચાંપી દીધી. પોલીસ પર પણ હુમલો થયો. કુહાડીથી હુમલામાં ડીસીપી નિકેતન કદમ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને 55થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
પોલીસ કમિશનર રવીન્દ્ર સિંઘલે જણાવ્યું હતું કે શહેરમાં BNSની કલમ 163 (IPCની કલમ 144ની જેમ) લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે 20 પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
CM પોતે નાગપુરના ધારાસભ્ય
સીએમ દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે કેબિનેટ મંત્રી ચંદ્રશેખર બાવનકુલે સાથે બેઠક કરી હતી. આ પછી બાવનકુલે નાગપુર જવા રવાના થયા. સીએમએ તેમને આ ઘટના અંગે રિપોર્ટ આપવા જણાવ્યું છે. બાવનકુલે નાગપુરના સંરક્ષક મંત્રી છે. ફડણવીસ નાગપુરની દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય પણ છે.
ઔરંગઝેબની કબર પર સુરક્ષામાં વધારોઃ હિંસા બાદ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં ઔરંગઝેબની કબર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે જિલ્લામાં SRPFની એક કંપની અને બે પ્લાટુન તહેનાત કરવામાં આવી છે. પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચ કરી રહી છે.
બજરંગ દળના નેતાએ કહ્યું- બાબરી મસ્જિદ જેવા જ હાલ થશે શનિવારે બજરંગ દળના નેતા નીતિન મહાજને સંભાજીનગરમાં ઔરંગઝેબની કબરને હટાવવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જાય તો ઔરંગઝેબની કબરની હાલત પણ બાબરી મસ્જિદ જેવી જ થશે.
મહાજને કહ્યું – ઔરંગઝેબની કબર પર નમાજ અદા થઈ રહી છે. સંભાજીના હત્યારાની કબર છે. જ્યારે આવી કબરોની ઇબાદત કરવામાં આવે છે ત્યારે સમાજનો પણ એ જ રીતે વિકાસ થાય છે. એ સમયે આપણે લાચાર હતા, પરંતુ હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માગ કરી રહ્યાં છે કે કબરને હટાવવામાં આવે.

અમે જાણીએ છીએ કે જ્યારે હિન્દુ સમુદાય પોતાના અસ્તિત્વ માટે વિરોધ કરે છે ત્યારે શું થાય છે. આપણે બધાએ જોયું કે અયોધ્યામાં બાબરી ઢાંચાને હટાવવા માટે શું થયું. જો સરકાર કબર નહીં હટાવે તો અમે એને હટાવીશું.
VHP બજરંગ દળે ઔરંગઝેબની કબર હટાવવાની માગ કરી હતી
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (પહેલાં ઔરંગાબાદ)માં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મહારાષ્ટ્ર સરકારને એને દૂર કરવાની માગ કરી છે. વિવાદ વચ્ચે કબર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહારાષ્ટ્ર અને ગોવાના પ્રાદેશિક મંત્રી ગોવિંદ શેંડેએ ઔરંગઝેબની કબરને ગુલામીનું પ્રતીક ગણાવ્યું. તેમણે સોમવારે કહ્યું- ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને મારતાં પહેલાં 40 દિવસ સુધી ત્રાસ આપ્યો. આવા ક્રૂર શાસકની છાપ શા માટે રહે.

બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ક્રૂર ઔરંગઝેબના બર્બર વિચારોને મહિમા આપનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એ વિચાર ત્યાં જ કચડી નાખવામાં આવશે.
મહારાષ્ટ્રભરમાં હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે સોમવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ઔરંગઝેબની કબરને દૂર કરવાની માગણી સાથે સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે. આ સમય દરમિયાન મુઘલ આક્રમણકારોનાં પૂતળાંનું પણ દહન કરવામાં આવી રહ્યું છે.