અતુલ ચગના આત્મહત્યા કેસમાં આક્ષેપોથી ઘેરાયેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધી શકે છે.

ગીર સોમનાથ, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાની સેશન્સ કોર્ટે ડો. અતુલ ચગને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. વેરાવળ નગરના સેશન્સ જજ પી.જી.ગોકાણીની અદાલતે ૬૨ વર્ષીય નારણભાઈની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં જણાવ્યું હતું કે આ મામલે પોલીસ તપાસ હમણાં જ શરૂ થઈ છે અને આ તબક્કે કોઈ રાહત આપવી યોગ્ય નથી. જ્યારે ગુનો ગંભીર પ્રકારનો હોય. કોર્ટની ટિપ્પણી અને પિતાની જામીન અરજી ફગાવી દેવાયા બાદ જો પોલીસ આગામી દિવસોમાં ભાજપના સાંસદની પૂછપરછ કરશે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

વેરાવળ શહેરના ડૉક્ટર ડૉ. અતુલ ચગ ૧૨ ફેબ્રુઆરીના રોજ તેમના ઘરે સીલિંગ ફેન સાથે લટક્તી હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કેસમાં ચુડાસમા પિતા-પુત્ર સામે મે મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે જૂનાગઢના લોક્સભાના સભ્ય અને તેના પિતા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને ૫૦૬-૨ (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઇઆર નોંધી હતી. જ્યારે સાંસદે હજુ સુધી કોઈ આ મામલે કોઈ અરજી દાખલ કરી નથી પણ પિતા નારણભાઈએ થોડા દિવસો પહેલા કેટલાક આધારો પર આગોતરા જામીન માટે અરજી કરી હતી.

ડોક્ટરના મૃત્યુના ત્રણ મહિના પછી નોંધાયેલી એફઆઈઆર મુજબ, ચુડાસમા પરિવારને છેલ્લા ૨૦ વર્ષથી ડોક્ટર સાથે ગાઢ સંબંધ હતો અને તેમણે ૨૦૦૮થી ડોક્ટર પાસેથી આશરે ૧.૭૫ કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. જે સામે ડોક્ટર ચગને કથિત રીતે કેટલાક ચેક આપ્યા હતા. જો કે, જ્યારે બંનેએ વારંવાર કોલનો જવાબ ન આપ્યો, ત્યારે ડોકટરે બેંકમાં ૯૦ લાખ રૂપિયાનો ચેક જમા કરાવ્યો, પરંતુ તે ’બાઉન્સ’ થયો. એફઆઈઆરમાં આરોપ છે કે ડૉ. ચગે આત્મહત્યા કરી તેના થોડા દિવસો પહેલા, બંનેએ તેમની સાથે મારપીટ કરી હતી અને પૈસાની માંગણી કરવા માટે તેમના પુત્ર હિતાર્થને મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે ધમકીઓ અને પૈસા ગુમાવવાના ડરથી અત્યંત હતાશ તબીબે આ પગલું ભર્યું હતું.

નારણભાઈએ તેમની અરજીમાં દાવો કર્યો છે કે તેમની સામે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, પરંતુ તેમનો પુત્ર સંસદસભ્ય હોવાને કારણે પોલીસે અચાનક તેમની વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે ચેક ’બાઉન્સ’ અને આત્મહત્યાની ઘટના વચ્ચે કોઈ સીધો સંબંધ નથી કારણ કે બંને એક વર્ષથી વધુ સમયના અંતરે બન્યા હતા. પોલીસ તપાસને ટાંકીને, અરજદારે દાવો કર્યો હતો કે ડૉ. ચગે ખરેખર શેરબજારમાં લગભગ ૨.૯૭ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા અને શક્ય છે કે તેણે આઘાતને કારણે પોતાનો જીવ લીધો હોય. સરકારી વકીલ સી એન કક્કડે અરજીનો વિરોધ કરતા કહ્યું કે જો આ તબક્કે અરજદારને કોઈ રાહત આપવામાં આવે તો તે સાક્ષીઓને પ્રભાવિત કરીને તપાસમાં અડચણ ઉભી કરી શકે છે.