પાલનપુર, બનાસકાંઠામાંથી એટીએમ બદલીને છેતરપિંડી આચરનારો ભેજાબાજ ઝડપાયો છે. વડગામ પોલીસે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ એટીએમમાં મદદ કરવાના બહાને કાર્ડને બદલી દેતો હતો અને તે કાર્ડ દ્વારા પૈસા ઉપાડી લેતો હતો. વડગામ પોલીસે આ અંગે આવી જ ઘટના બેંક ઓફ બરોડાના એટીએમમાં બનવાને લઈ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન રાજુ ઉર્ફે મહંમદ સોહિલ નામના શખ્શને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આ દરમિયાન તપાસ હાથ ધરી હતી અને એ તપાસમાં એક કારના નંબર આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપી રાજુ પાસેથી જુદી જુદી બેંકના ૨૦૯ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. તેણે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, તાપી સહિતના જિલ્લાઓમાં છેતરપિંડીના ગુનાઓ આચર્યા હોવાનું સામે સામે આવ્યું છે. લગભગ ૨૭ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.