લખનૌ,માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પોલીસે સીજેએમ કોર્ટમાં રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન વકીલોએ અતિક અને તેના ભાઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અતીકના પુત્ર અસદનું યુપી એસટીએફ દ્વારા એક્ધાઉન્ટર કરવામાં આવ્યું છે. અતીકને આ વાતની જાણ થતાં જ તે કોર્ટમાં જ રડવા લાગ્યો હતો. કોર્ટે પ્રયાગરાજ પોલીસને અતીક અહેમદને ૭ દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે. સુનાવણી પહેલા જ અતીકની તબિયત બગડી હતી. તેને દવા આપવામાં આવી હતી. તબીબોની ટીમે પણ તેની તપાસ કરી હતી. ડોક્ટરોનું કહેવું છે કે ગરમીના કારણે અતીક રાત્રે માત્ર બે કલાક જ સૂઈ શક્યો હતો. લગભગ ૧૧ વાગ્યે પોલીસ તેની સાથે કોર્ટમાં પહોંચી હતી. તેને કડક સુરક્ષા વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસને ઘણા પુરાવા મળ્યા છે. પોલીસે અતીકના બે નોકર કેશ અહેમદ અને રાકેશ લાલાના નિવેદન પણ નોંયા છે. આ ઉપરાંત પોલીસને અતીક અહેમદની ચકિયામાં આવેલી ઓફિસમાંથી એક કોલ્ટ પિસ્તોલ પણ મળી છે. ઉમેશ પાલ હત્યા કેસમાં અતીકના પુત્ર અસદે કોલ્ટ પિસ્તોલથી જ ફાયરિંગ કર્યું હતું. જેના આધારે પોલીસ અતીકના રિમાન્ડની માંગણી કરી હતી. અતીકને ગુજરાતની સાબરમતી જેલમાંથી બુધવારે જ કોર્ટમાં રજૂ કરવા માટે પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને પણ પોલીસ બરેલીથી પ્રયાગરાજ લઈ ગઈ હતી.
કોર્ટમાં અતીક અને અશરફની હાજરી દરમિયાન વકીલોએ પણ હોબાળો મચાવ્યો હતો. વકીલોએ બંને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન વકીલો અને પોલીસ વચ્ચે તણાવના સમાચાર પણ સામે આવ્યા હતાં અને થોડીવાર માટે મામલો અત્યંત તંગ બની ગયો. કોર્ટ પરિસરમાં આરએએફ તૈનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૪ ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલની સાથે તેના બે સુરક્ષાકર્મીઓની પણ હત્યા કરવામાં આવી હતી. બીએસપી સાંસદ રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. માફિયા અતીક અહેમદ પણ તેની હત્યાનો આરોપ હતો. ઉમેશ પાલની પત્ની જયા પાલે બીજા જ દિવસે ૨૫ ફેબ્રુઆરીએ અતીક, તેના ભાઈ અશરફ, અતીકની પત્ની શાઈસ્તા પરવીન, અતીકના બે પુત્રો અને અન્ય ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ઉમેશ પાલના અપહરણના ગુનામાં અતીકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અતીક અને પુત્ર અશરફને કોર્ટમાં કહેવામાં આવ્યું કે અસદનું એન્કાઉન્ટર થયું છે. આ પછી બંને કોર્ટ રૂમમાં જ રડવા લાગ્યા. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને અતીક અહેમદ બેહોશ થઈ ગયો અને કોર્ટ રૂમમાં જ પડી ગયો હતો. માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ઉમેશ પાલ હત્યા કેસના સંબંધમાં પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.અતીક અને અશરફને સવારે ૧૧.૧૦ વાગ્યે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દિનેશ ગૌતમની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અતીકને ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. બીજી તરફ તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને બરેલીની જેલમાંથી રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે.