- જેલમાંથી બહાર આવ્યા પછી ખંડણી વસૂલીશું, પૈસા કમાઈશું; એસઆઇટીએ ૧૦૦ પ્રશ્ર્ન પૂછ્યા.
પ્રયાગરાજ,માફિયા અતીક અહેમદ અને અશરફ મર્ડર કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. SITની પૂછપરછમાં હત્યારાઓ- લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યએ જણાવ્યું હતું કે તેમને કાનપુરના ગુનેગાર બાબરે તુર્કી બનાવટની જિગાના પિસ્તોલ અને અન્ય હથિયારો આપ્યા હતા. ત્રણેય શૂટરોએ ફરી એકની એક વાત કરી. તેમણે ખ્યાતિ મેળવવા માટે અતીક-અશરફની હત્યા કરી. આ હત્યા પાછળ કોઈનો હાથ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. બુધવારે ત્રણેય શૂટરોના ૪ દિવસના રિમાન્ડ મળ્યા બાદ ડેપ્યુટી કમિશનર ક્રાઈમ સતીશ ચંદ્રા, એસપી સત્યેન્દ્ર તિવારી અને ઈન્સ્પેક્ટર ઓમ પ્રકાશ પોલીસલાઈનમાં પહોંચ્યા હતા. અહીં આખો દિવસ પૂછપરછ ચાલી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ હુમલાખોરને ૧૦૦ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યા હતા…
જવાબ- અતીક-અશરફ સાથે સીધી કોઈ દુશ્મની નથી. અમને લાગ્યું કે જો અમે બંનેને મારી નાખીશું તો આપણું મોટું નામ થશે. આખો દેશ આપણને જાણવા લાગશે. એને કારણે લોકો અમારાથી ડરશે અને જેલમાંથી બહાર આવ્યા બાદ અમે ખંડણીની વસૂલાત કરીશું, પૈસા કમાઈશું…
સવાલ- તમે લોકો બંદા જેલમાં બંધ માફિયાઓને પણ મારીને નામ કમાઈ શક્યા હોત…
જવાબ: અમારે અતીક-અશરફને જ મારવાના હતા. આમ કહીને હુમલાખોરોએ મૌન સેવી લીધું હતું.
સવાલ- હત્યા પાછળ કોનો હાથ છે?
જવાબ – કોઈનો નહીં.
સવાલ- તમને કોઈએ ફંડ આપ્યું છે?
જવાબ – કોઈએ નહીં.
સવાલ – અતીક અને અશરફને કેમ માર્યા?
જવાબ – નામ કમાવવા માટે બંનેની હત્યા કરી.
સવાલ- તુર્કીની બનાવટની જિગાના પિસ્તોલ કોણે આપી?
જવાબ – શાતિર લોકોએ પહેલા તો ગોળગોળ જવાબ આપ્યા, પણ કડક પૂછપરછ અને ઊલટતપાસ કર્યા બાદ આખરે તેઓ તૂટી પડ્યા અને કહ્યું કે આ હથિયારો તેમને કાનપુરના શાતિર ગુનેગાર બાબરે આપ્યા હતા.
પોલીસ ત્રણેય શૂટરોને કોલ્વિન હોસ્પિટલમાં લઈ ગઈ છે, જ્યાં સીન રિક્રિએટ કરવામાં આવશે. પોલીસ ત્રણેયના મોબાઈલ રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી શૂટરોએ મોબાઈલ વિશે કંઈ જણાવ્યું નથી. મોબાઈલની તપાસ કરીને છેલ્લી ક્ષણે તેઓ કોની સાથે સંપર્કમાં હતા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાનપુરના બદમાશ રઈશ બનારસીનો ભાણેજ છે. એટીએસે ૨૦૧૨માં બાબરની ધરપકડ કરી હતી. તેના પર હથિયારોની દાણચોરીનો આરોપ હતો. બાદમાં તેને આ જ કેસમાં ૭ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તે સજા પૂરી કરીને જેલમાંથી મુક્ત થઈ ચૂક્યો છે. જેલમાં જતાં પહેલાં બાબર મયાંચલ અને પૂર્વાંચલના માફિયાઓને હથિયાર સપ્લાય કરતો હતો.વિદેશી હથિયારોની દાણચોરીની સાથે સાથે તે અસલ જેવા નકલી વિદેશી હથિયાર બનાવવામાં પણ નિષ્ણાત છે. હવે પોલીસ બાબરને શોધી રહી છે. હાલમાં અતીક-અશરફની હત્યાના પડદા પાછળ કોણ છે? જવાબ મળવાનો બાકી છે. ગુરુવારે પણ ત્રણેયની પૂછપરછ કરવામાં આવશે. અતીકના માથા પર પહેલી ગોળી ચલાવાઈ હતી. ગોળી વાગતાંની સાથે જ તે જમીન પર પડી ગયો. શૂટરોએ તેને ગોળી મારી હતી. અતીક-અશરફ હત્યા કેસના પાંચમા દિવસે એટલે કે ૧૯મી એપ્રિલે પ્રયાગરાજના શાહગંજ પોલીસ સ્ટેશનના ૫ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. SITની પૂછપરછ બાદ પોલીસ વિભાગે આ કાર્યવાહી કરી છે. જેમના પર આ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં એસઓ અશ્ર્વિની કુમાર સિંહ સિવાય બે સબ-ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. પ્રયાગરાજ પોલીસે અતીક ગેંગના શૂટર અસદ કાલિયાની પણ ધરપકડ કરી હતી. તેના પર ૫૦ હજારનું ઈનામ હતું. અસદ કાલિયા અતીક ગેંગનો ફાઇનાન્સર હોવાનું કહેવાય છે. પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે.