અતીક અને અશરફની હત્યા બાદ યૂપીમાં અચાનક ૩૦૦૦ મોબાઈલ નંબર બંધ થયાં

પ્રયાગરાજ,યૂપીના પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કર્યા બાદ કેટલાય ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. યૂપી એસટીએફ કેટલાય લોકો પર નજર રાખી રહી છે અને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ઉમેશ પાલ હત્યાકાંડના આરોપીની શોધમાં ઠેકઠેકાણે તપાસ થઈ રહી છે. યૂપી પોલીસ અને એસટીએફ તેના માટે સમગ્ર તાકાત અજમાવી રહી છે. ઉમેશના હત્યારાઓની તપાસમાં એસટીએફે ૫ હજારથી વધારે મોબાઈલ નંબર સવલાંસ પર લીધા હતા. આ ઉપરાંત અન્ય રીતે પણ જાણકારી એકઠી થઈ રહી છે. આ દરમ્યાન એસટીએફને કેટલાય મહત્વના પુરાવા મળ્યા હતા.

તો વળી સમાચાર એવા છે કે, અતીક અને અશરફની હત્યા બાદ સવલાંસ પર લેવામાં આવેલા નંબરોમાંથી ૩ હજાર મોબાઈલ અચાનક બંધ થઈ ગયા છે. તેની પાક્કી માહિતી હજૂ મળી નથી, પણ તેનાથી તપાસમાં ખૂબ જ અડચણો ઊભી થઈ રહી છે. કહેવાય છે કે, બંધ થયેલા કેટલાય નંબર અતીકના નજીકના અને સંબંધીઓના હોઈ શકે છે. અતીકના દૂરના સંબંધીઓ તેને લઈને ડરેલા છે. અને ઈચ્છે છે કે, તપાસનો રેલો તેમના સુધી ન પહોંચે. સવાલ એ પણ છે કે, આટલા વધારે મોબાઈલ નંબર એક્સાથે કેવી રીતે અને શા માટે બંધ થઈ ગયા?

અતીક અને તેના પરિવારની મદદ કરનારા કેટલાય લોકો ફરાર હોવાનું કહેવાય છે. સાથે જ ઉમેશ પાલના હત્યારાઓની મદદ અથવા તો કોઈ બીજા સંબંધીના ઘરે જતા રહ્યા અને ફરવાનું બહાનું કરીને રાજ્ય છોડી ચુક્યા છે. એસટીએફના જણાવ્યા અનુસાર, જે નંબર બંધ થયા છે, તેમાંથી મોટા ભાગના લોકો રડાર પર હતા. પણ એટલા માટે તેમના પર હાથ નાખવામાં નથી આવતો કેમ કે, તેના કારણે બીજા આરોપીઓને ખબર પડી જાય અને તેને પકડી શકાય. આપને જણાવી દઈએ કે, આ તમામ નંબર રાજ્યના ૨૨ જિલ્લામાં સ્વિચ ઓફ થયા છે. જો કે, તેમાં બધા જ નંબર અતીકના ગ્રુપ સાથે જોડાયેલ નથી. તેમાંથી અન્ય કેટલાય માફિયાની ગેંગના છે.