અતીક અને અશરફ હત્યા કેસની સુપ્રીમમાં સુનાવણી ૨૮ એપ્રિલે હાથ ધરાશે

  • એડવોકેટ વિશાલ તિવારીએ આ મામલાની તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટ ૨૮ એપ્રિલે સુનાવણી કરશે. કેસ આજે એટલે કે ૨૪ એપ્રિલે સાંભળવાનો હતો પણ ઘણા જ્જની તબિયત સારી ના હોવાના કારણે લિસ્ટમાં ના આવી શક્યો. ચીફ જસ્ટિસે અરર્જીક્તાને શુક્રવારે સુનાવણીનું આશ્ર્વાસન આપ્યું છે. અરજીમાં ઉત્તરપ્રદેશમાં ૨૦૧૭થી અત્યાર સુધી થયેલા ૧૮૩ એન્કાઉન્ટરની તપાસની પણ માંગ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ૧૬ એપ્રિલની રાત્રે અતીક અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર વિશેષ સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે ૨૮ એપ્રિલે સુનાવણી કરશે.

તમને જણાવી દઈએ કે માફિયા ભાઈઓ અતીક અહેમદ અને અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ હુમલાખોરોએ ૧૮ રાઉન્ડ ફાયરિંગ કરીને બંને ભાઈઓની હત્યા કરી નાખી હતી. ત્રણ આરોપીઓની ઓળખ લવલેશ, સની સિંહ અને અરુણ મૌર્ય તરીકે થઈ હતી.

એડવોકેટ વિશાલ તિવારીએ આ મામલાની તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તિવારીએ ૨૦૧૭થી ઉત્તર પ્રદેશમાં થયેલા ૧૮૩ એન્કાઉન્ટર ની તપાસની પણ માંગ કરી છે. અતીક અને અશરફ પોલીસ ટીમ સાથે મેડિકલ તપાસ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી. મીડિયાકર્મી બનીને આવેલા ત્રણ લોકોએ આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસ હાલ ત્રણેય હત્યારાઓની પૂછપરછ કરી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર અતીકની કુલ સંપત્તિ ૧૨૦૦ કરોડની આસપાસ છે. તેની પાસે ઘણી ગેરકાયદેસર અને બિનજરૂરી મિલક્તો છે. અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર પહેલા ઈડીએ અતીક અને તેના નજીકના સાથીદારો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ ED ને ૧૫ સ્થળોએથી ૧૦૦થી વધુ ગેરકાયદેસર અને બેનામી મિલક્તોના કાગળો મળ્યા હતા. આ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે તેણે લખનૌ અને પ્રયાગરાજના પોશ વિસ્તારોમાં ઘણી પ્રોપર્ટી ખરીદી છે. આ મિલક્તો અતીકના નામે અથવા તેના પરિવારના સભ્યોના નામે છે.

એક અહેવાલ મુજબ જ્યારથી યુપી પોલીસ અને વહીવટીતંત્રે ગેંગસ્ટર એક્ટ હેઠળ માફિયા અતીકની સંપત્તિની તપાસ કરી છે, જે ડેટા સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. ઈડી અનુસાર અતીકે જે પ્રોપર્ટી ખરીદી હતી તે સર્કલ રેટ કરતા ઘણી ઓછી કિંમતે તેના નામે હતી.