અતિભારે હિમવર્ષા સામે અમેરિકા લાચાર, કોઈ કારમા તો કોઈ ઘરમા તો કેટલાક બરફમાં દટાઈને મૃત્યુ પામ્યા

વોશિગ્ટન,

અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે અનેક લોકોના મોત નિપજયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ગઈકાલ સોમવારે, અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકો તેમની કારમાં, ઘરમાં અથવા તો બરફના ઢગલામાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પશ્ર્ચિમ ન્યૂયોર્કમાં બરફવર્ષાથી ૨૭ લોકોના મોત થયા બાદ સોમવારે અમેરિકામાં બરફના ભારે તોફાનના કારણે મૃત્યુઆંક વધીને ૪૮ થઈ ગયો છે. અમેરિકામાં બરફના તોફાનના કારણેઅમેરિકાના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. પશ્ર્ચિમ ન્યૂયોર્કમાં લોકો ભારે હિમવર્ષાનો સામનો કરી રહ્યા છે. તોફાની પવન અને હિમવર્ષાએ બાફલો માટે પણ પરિસ્થિતિ મુશ્કેલ બનાવી દીધી હતી. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે શુક્રવાર અને શનિવારના રોજ પશ્ર્ચિમી ન્યુયોર્કમાં મૃત્યુ પામેલા ઘણા લોકો તેમની કાર, ઘરો અથવા તો બરફના ઢગલામાં મૃત જોવા મળ્યા હતા. મોટરચાલકો બરફમાં ફસાયેલા જોવા મળ્યા છે. તો કેટલાક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને ઈમરજન્સી ક્રૂને બરફથી અસરગ્રસ્ત ઘર અને અટવાઈ ગયેલી કારોના ચાલકો સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. નેશનલ વેધર સવસે રવિવારે જણાવ્યું હતું કે અમેરિકાનો અડધો પૂર્વીય વિસ્તાર ઠંડા પવનોની પકડમાં છે.