આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાનું પગેરું ગુજરાતમા :એનઆઇએ દાહોદમાં ત્રાટકી

દાહોદમાં એનઆઇએની ટીમે દરોડા પાડ્યા છે. બબ્બર ખાલસાના આતંકવાદીના મામલે દરોડા પાડવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાનું કનેકશન દાહોદમાં નીકળતા તેના પગલે એનઆઇએની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બબ્બર ખાલસા આતંકવાદી સંગઠન માટેના નાણાકીય વ્યવહાર દાહોદથી થયાની આશંકા છે.આના પગલે એનઆઇએની ટીમ ગુજરાતમાં જાણે કાયમ માટે ધામા નાખીને પડી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે પંજાબના આતંકવાદનું પગેરું છેક ગુજરાતમાં નીકળ્યું તે ગુજરાત માટે પણ ચિંતાજનક સ્થિતિ છે. ગુજરાતના નાણા દેશના વિકાસ માટે નહીં પણ આતંકવાદી સંગઠનના વિકાસ માટે જશે તે વાત કોઈ ગુજરાતી જાણે તો પણ તેને આઘાત લાગી જાય તેમ છે. આ સંદર્ભમાં એનઆઇએએ ગુજરાત પોલીસને સાથે રાખીને એકથી બેની ધરપકડ પણ કરી હોવાનું માનવામાં આવે છે.

આગામી દિવસોમાં આ બાબતને લઈને ઘણા મોટા ફણગા ફૂટી શકે તેમ છે. તેથી ગુજરાત પોલીસ પણ સાબદી થઈ ગઈ છે. ગુજરાત પોલીસના ટોચના અધિકારીઓમાં પણ આ બાબત ચર્ચાવા લાગી છે. તેની સાથે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આ પ્રકારના ટેરર ફંડિંગને કઈ રીતે અટકાવવું તેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસમાં સઘન ચર્ચા થઈ રહી છે.

આ મામલે ગુજરાત એટીએસની મદદ પણ ગમે ત્યારે લેવામાં આવી શકે તેવી અટકળો છે. આ ઉપરાંત ગુજરાત સરહદી રાજ્ય હોઈ હવે કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓનું કાયમી થાણું પણ ગુજરાતમાં બનાવવાની ચર્ચાએ સઘન વેગ પકડ્યો છે. આ ઉપરાંત પીએફઆઇની પ્રવૃત્તિને લઈને પણ કેન્દ્રીય તપાસ સંસ્થાઓએ પણ વારંવાર ગુજરાત આવું પડે છે.આ ઉપરાંત ગુજરાત ડ્રગ્સ ટ્રાન્સપોર્ટેશનનો હબ બની ચૂક્યું છે અને હવે ડ્રગ્સના આ નાણા આ ટેરર ફંડિંગમાં ઉપયોગમાં લેવાય છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે.