મુંબઇ, અશ્ર્વિન સામે વિન્ડીઝના બેટ્સમેનો રીતસરના પાણીમાં બેસી જતાં ભારતે પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ અને ૧૪૧ રને જીતી લીધી હતી. અશ્ર્વિને ફક્ત ૭૧ રન આપી સાત વિકેટ ઝડપતા ભારતે આપેલી ૨૭૧ રનની લીડના જવાબમાં વિન્ડીઝની ટીમ ૧૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અશ્ર્વિને કારકિર્દીમાં ૩૪મી વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી અને આઠમી વખત એક જ ટેસ્ટમાં દસ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. અશ્ર્વિનની જબરજસ્ત બોલિંગ હતી પરંતુ ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારનારા યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. ભારતનો વેસ્ટઇન્ડીઝ સામે આ ૨૩મો ટેસ્ટ વિજય હતો.
ભારત અને વેસ્ઈન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ત્રીજા જ દિવસે પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડીઝને એક ઇનિંગ અને ૧૪૧ રનથી હરાવીને ૨૦૨૩-૨૫ ઉ્ઝ્ર સાઇકલનો શાનદાર જીતથી પ્રારંભ કર્યો છે. આ ટેસ્ટ મેચમાં અશ્ર્વિને કુલ ૧૨ વિકેટ ઝડપી છે. તેણે પહેલી ઇનિંગમાં ૫ વિકેટ અને બીજી ઇનિંગમાં ૭ વિકેટ ઝડપી હતી. તેણે વિદેશમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.
અગાઉ ભારતે પહેલી ઇનિંગ ૪૨૧ રન અને ૫ વિકેટે ડિક્લેર કરી હતી. ત્યારે ભારતે ૨૭૧ રનની લીડ મેળવી હતી. જેના જવાબમાં કેરિબિયન્સ બીજી ઇનિંગમાં ૧૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રવિચંદ્રન અશ્ર્વિને ૭ વિકેટ ઝડપી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજાએ ૨ વિકેટ અને મોહમ્મદ સિરાજે ૧ વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડીઝ તરફથી એલિક એથેનાઝે ૨૮ રન અને જેસન હોલ્ડરે ૨૦* રન બનાવ્યા હતા.
યશસ્વી જયવાલ અને રોહિત શર્માએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ ૭૬ રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી ૭૬ રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ટેસ્ટ કારકિર્દીની ૨૯મી અડધી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ ૧૭૧ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા ૧૦૩ અને શુભમન ગિલ ૬ રન બનાવીને આઉટ થયા હતા અને રહાણેએ ૩ રન બનાવ્યા હતા. ઈશાન કિશન (૧) અને રવીન્દ્ર જાડેજા (૩૭) અણનમ પરત ફર્યા હતા. વેસ્ટઈન્ડીઝ તરફથી ડેબ્યુટન્ટ્સ એલિક એથેનાઝ, જોમેલ વોરિકન, અલ્ઝારી જોસેફ અને કેમર રોચે એક-એક વિકેટ મેળવી હતી.
યશસ્વી જયસ્વાલ પ્રથમ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય બન્યો. તે ૧૭૧ રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા શિખર ધવન (૧૮૭ રન) અને રોહિત શર્મા (૧૭૭ રન) એ ડેબ્યુ મેચમાં જયસ્વાલ કરતાં વધુ રન બનાવ્યા હતા. જયસ્વાલે શ્રેયસ ઐયર (૧૭૦ રન)નો સ્કોર પાછળ છોડી દીધો.