ગુજરાત સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ સેકટરોનો અભ્યાસ કરી વેપારીઓ દ્વાર કરચોરી કરવા માટે અપનાવવામાં આવતી વિવિધ રીતો શોધી કાઢી વેપારીઓનું ટેક્ષ-પ્રોફાઈલીંગ કરવામાં આવે છે. જેમાં બીટુસી પ્રકારના વ્યવહારોમાં વ્યાપક કરચોરી થતી હોવાનું ધ્યાને આવેલ છે.
બીટુસી સેગમેન્ટના ઓટો પાર્ટસ/એસેસરીઝના વેપારીઓની આવી કરચોરી અટકાવવાના ભાગરૂપે ગત સપ્તાહમાં અમદાવાદ, રાજકોટ, સુરત તથા વડોદરા ખાતે 46 વેપારીઓના 72 ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
ઉકત વેપારીઓના ધંધાના સ્થળે નીચે મુજબની વિવિધ કરચોરીની રીત-રસમ જણાય આવેલ જેમાં વેપારીઓના ધંધાના સ્થળ પરના હાજર માલ સ્ટોક તથા તેઓના હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં તફાવત જાણવા મળેલ હતો. તથા વેપારીઓ દ્વારા હિસાબી ચોપડે દર્શાવ્યા વિના માલનું ખરીદ-વેચાણ કરવામાં આવતું હતું. તેમજ વેપારીઓ દ્વારા ગુડ્ઝનું મિન-કલાસીફિકેશન કરી ઓછા દરે વેરો ભરતા હોવાનું ધ્યાને આવેલ હતું.
જયારે બીટુસી વેપારીઓ કમ્પોઝીશન સ્કીમનો લાભ મેળવતા હોવા છતાં ગ્રાહકો પાસેથી અલગથી વેરો ઉઘરાવતા હતા, વેપારીઓ જીએસટી કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન મેળાવવા જવાબદાર હોવા છતાં રજીસ્ટ્રેશન મેળવતા નથી.
તપાસો દરમિયાન આ પેઢીઓ દ્વારા રૂપિયા 6 કરોડથી વધુની કરચોરી ધ્યાને આવેલ હતી. જે પૈકીની આ વેપારીઓ પાસેથી અત્યાર સુધી કુલ રૂપિયા 1.50 કરોડની વસુલાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 13, અમદાવાદમાં 35, સુરતમાં 12, અને વડોદરામાં 12 સ્થળોએ તપાસ કરાઈ હતી.