એશિયા કપ અને વન-ડે વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈજા અને સર્જરી બાદ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં સાજા થઈ રહેલા સ્ટાર ખેલાડી કે.એલ.રાહુલ અને શ્રેયસ અય્યર હજુ સંપૂર્ણ ફિટ થયા નથી જેના કારણે એશિયા કપમાંથી બહાર થઈ શકે છે.
જો આમ થયું તો પછી આ બન્નેનું વર્લ્ડકપમાં રમવું પણ મુશ્કેલ બની જશે. એશિયા કપ 30 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે જેના ચાર મુકાબલા પાકિસ્તાન તો બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે.
ક્રિકબઝે બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, રાહુલ અને અય્યર હજુ સાજા થઈ શક્યા નથી આવામાં બન્નેને એશિયા કપ માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા નહીંવત્ છે. એશિયા કપ માટે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમનું એલાન ચાલું સપ્તાહે થઈ શકે છે.
આમ તો રાહુલ અને અય્યર બન્ને સોશ્યલ મીડિયા પર સતત પોતાના વીડિયો અને તસવીરો શેયર કરી ફિટનેસ અંગે જાણકારી આપી રહ્યા છે. હવે મુશ્કેલી એ છે કે જો બન્ને એશિયા કપમાંથી બહાર થાય છે તો પછી વર્લ્ડકપમાં પણ રમવું મુશ્કેલ થઈ જશે. એશિયા કપ બાદ ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની ઘરેલું વન-ડે શ્રેણી રમશે.
આ શ્રેણીમાં બન્નેને તક આપવામાં આવી શકે છે પરંતુ ત્રણ મેચમાં ખુદને વર્લ્ડકપ માટે ફિટ સાબિત કરવા મુશ્કેલ બની જશે. જો બન્ને ટેસ્ટમાં ખરા નહીં ઉતરે તો પછી તેમનું સિલેક્શન થવું મુશ્કેલ બની જશે.
ઉલ્લેખનીય છે કે, બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા એનસીએમાં રિહેબ કરી રહ્યા હતા પરંતુ આ બન્ને સંપૂર્ણપણે ફિટ થઈ ગયા છે. સાથે જ આયર્લેન્ડ પ્રવાસ માટે બન્નેની પસંદગી કરવામાં આવી છે. મોટી વાત એ છે કે બુમરાહને આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટનશિપ મળી છે.