મુંબઇ,પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આ વર્ષના એશિયા કપને શ્રીલંકામાં શિફ્ટ કરવાનો વિરોધ કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જો એશિયન ક્રિકેટ કાઉન્સિલ તેમના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે તો તેઓ આ એશિયા કપનો બહિષ્કાર કરવા ગંભીરતાથી વિચારી રહ્યાં છે.
પીસીબીના વડા નજમ સેઠી ગઈકાલે દુબઈમાં ACC અધિકારીઓને મળ્યા હતા અને એશિયા કપને યુએઇને બદલે શ્રીલંકામાં શિટ કરવાના પગલા સામે વાંધો ઉઠાવ્યો હતો પીસીબીના એક વિશ્ર્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે સેઠીએ આગ્રહ કર્યો છે કે એસીસીએ એશિયા કપ ૨૦૨૩ માટે પાકિસ્તાનના સંશોધિત હાઇબ્રિડ મોડલ પ્રસ્તાવને સ્વીકારવો જોઈએ અને જો બહુમતી સભ્યો ઇચ્છે છે કે તે ૨૦૧૮ અને ૨૦૨૨ની જેમ અન્ય જગ્યાએ યોજાય તો તેને યુએઇમાં આયોજન કરવું જોઈએ. સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે સેઠીએ યુએઈની ગરમીને લઈને બીસીસીઆઇની ચિંતા અંગે પણ એસીસીને જાણ કરી છે.
બીસીસીઆઇએ એસીસીને કહ્યું છે કે સપ્ટેમ્બરમાં યુએઈમાં રમવું ખૂબ જ ગરમ હશે, પરંતુ સેઠીએ કહ્યુ કે આ આજે આ વાતને કહી રહ્યા છે જે સપ્ટેમ્બરથી નવેમ્બર ૨૦૨૦ સુધી યુએઇમાં તેની આઇપીએલનું આયોજન કરી ચુક્યા છે. સૂત્રએ જણાવ્યું હતું. સેઠીએ એસીસીને એક નવું હાઇબ્રિડ મોડલ શેડ્યૂલ આપ્યું છે અને તે એક એવો પ્રસ્તાવ છે જે હવે ઠુકરાવી ન જોઈએ. પીસીબી પણ આશ્ર્ચર્યમાં છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇને પાછળથી સમર્થન આપી રહ્યું છે.
પીસીબીના એક સૂત્રએ કહ્યું આ આશ્ર્ચર્યજનક છે કારણ કે આ પહેલા ફેબ્રુઆરીમાં એસીસી બોર્ડની છેલ્લી બેઠકમાં, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાને લંકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને એ વાત પર સહમતિ થઈ હતી કે પાકિસ્તાન યજમાન તરીકે ચાલુ રહેશે. પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીએ પોતાના અધિકારીઓને કહ્યું હતું કે જો દેશમાં એશિયા કપનું આયોજન ન થાય તો આ વર્ષે એશિયા કપ વિન્ડોમાં ૩ થી ૪ દેશોને પાકિસ્તાનમાં આયોજિત કરવા પર કામ કરવાનું શરૂ કરી દે. જો પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૩નો બહિષ્કાર કરે છે તો યુએઈની ટીમ ટૂર્નામેન્ટ રમતી જોવા મળી શકે છે. આ રીતે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ અને યુએઈની ટીમો એશિયા કપનો ભાગ બનશે. પાકિસ્તાન માટે બીજું નુક્સાન એ થશે કે ટીમને ACCની કમાણીનો હિસ્સો પણ નહીં મળે. જો કે આ દરમિયાન પાકિસ્તાન ત્રિકોણીય શ્રેણીનું આયોજન કરી રહ્યું છે.