એએસઆઇ અશ્વિન કાનગડની મુશ્કેલીમાં વધારો, ઢોર માર મારવાના કેસમાં રાજુ સોલંકીનું મોત

રાજકોટ : રાજકોટમાં એએસઆઇ અશ્વિન કાનગડની મુશ્કેલીમાં વધારો થયો છે. હમીર રાઠોડને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાથી મૃત્યુ થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન રાજુ સોલંકીને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. આથી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેતુ ખસેડાયો હતો ત્યારે સારવાર દરમિયાન રાજુ સોલંકીનું મોત નિપજ્યું છે. રાજુ સોલંકીના પુત્ર જય સોલંકીએ બેફામ માર મારવાના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો છે.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજુ સોલંકી નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. ૧૪ એપ્રિલે રાજુ સોલંકીને માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ અશ્ર્વિન કાનગડ દ્વારા પગ તેમજ સાથળના ભાગે માર મારવામાં આવ્યો હતો. હવે મોત થતાં એએસઆઈ અશ્ર્વિન કાનગડની મુશ્કેલીમાં વધારો થયો છે.

અશ્ર્વિન કાનગડની ધરપકડ કરી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજુ સોલંકીના પુત્ર જય સોલંકીએ આક્ષેપ કરતાં કહ્યું કે, પોલીસ દ્વારા મારા પિતા રાજુભાઈ અને હમીર રાઠોડને બેફામ માર મારવામાં આવ્યો છે. સારવાર દરમિયાન મારા પિતાનું મોત નિપજ્યું છે. અમારી એક જ માગ છે કે અશ્ર્વિન કાનગડને સખ્ત સજા કરવામાં આવે. બંને પરિવારોને ન્યાય આપવામાં આવે. પોલીસે એટલી હદ સુધી માર માર્યો છે કે ઈજાના નિશાન શરીર પર સ્પષ્ટપણે દેખાતાં હતા.