મુંબઇ,ભારતીય ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. રવિચંદ્રન અશ્ર્વિને ટેસ્ટ ક્રિકેટમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રવિચંદ્રન અશ્ર્વિને હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હૈદરાબાદ ટેસ્ટ મેચ દરમિયાન ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં રવિચંદ્રન અશ્ર્વિને બેન સ્ટોક્સને ૬ રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત મોકલી દીધો હતો.
બેન સ્ટોક્સ ૩૩ બોલમાં ૮ રન બનાવીને રવિચંદ્રન અશ્ર્વિનના હાથે બોલ્ડ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ ૧૨મી વખત છે જ્યારે રવિચંદ્રન અશ્ર્વિને બેન સ્ટોક્સને આઉટ કર્યો હોય. આ કરીને રવિચંદ્રન અશ્ર્વિને ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેનને સૌથી વધુ વખત આઉટ કરવાના મામલે કપિલ દેવના ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે પાકિસ્તાની ક્રિકેટર મુદસ્સર નઝરને ટેસ્ટમાં ૧૨ વખત આઉટ કર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત બેટ્સમેનને આઉટ કરવાના મામલે કપિલ દેવ અને રવિચંદ્રન અશ્ર્વિન હવે બરાબરી પર છે.
રવિચંદ્રન અશ્ર્વિન ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેવાની ખૂબ નજીક છે. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિન આ મહાન રેકોર્ડ બનાવવાથી માત્ર ૫ વિકેટ દૂર છે. તમને જણાવી દઈએ કે રવિચંદ્રન અશ્ર્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ૧૮૧ ટેસ્ટ ઇનિંગ્સમાં ૪૯૫ વિકેટ લીધી છે. જો રવિચંદ્રન અશ્ર્વિન વધુ ૫ વિકેટ લેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનારો ભારતનો માત્ર બીજો બોલર બની જશે. અત્યાર સુધી માત્ર અનિલ કુંબલે જ ભારત માટે આ મોટી સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.
ભારત માટે અત્યાર સુધી માત્ર અનુભવી લેગ સ્પિનર અનિલ કુંબલે ૫૦૦ કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં ૬૧૯ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્ર્વિને ભારત માટે અત્યાર સુધી ૧૮૧ ટેસ્ટ ઇનિંગ્સમાં ૪૯૫ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્ર્વિને ટેસ્ટ મેચમાં ૩૪ વખત એક ઇનિંગમાં ૫ વિકેટ લીધી છે. આ સિવાય રવિચંદ્રન અશ્ર્વિને ૮ વખત ટેસ્ટ મેચમાં ૧૦ કે તેથી વધુ વિકેટ લીધી છે.