અશ્વિન ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડવાથી માત્ર ૩ વિકેટ દૂર, બની જશે નંબર-૧ ભારતીય બોલર

મુંબઈ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ આવતીકાલથી રાંચીના ત્નજીઝ્રછ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝમાં ભારત ૨-૧થી આગળ છે. આવી સ્થિતિમાં ભારત રાંચી ટેસ્ટમાં જીત મેળવી સીરિઝમાં અજેય લીડ મેળવવાનો પ્રયત્ન કરશે. પરંતુ આ દરમિયાન સૌની નજર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર રહેશે. પોતાની ક્ષમતાના કારણે અશ્ર્વિને ઘણી મેચોમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં અશ્વિને રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી ટેસ્ટ દરમિયાન ૫૦૦ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો અને ભારત માટે બીજા નંબરનો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો હતો.

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ૫૦૦ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ હાંસલ કર્યા બાદ હવે અશ્વિન ની નજર વધુ એક રેકોર્ડ પર છે. રાંચી ટેસ્ટમાં અશ્વિન પાસે ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની મોટી તક છે. રવિચંદ્રન અશ્વિન ઘરઆંગણે ૩૪૮ વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે અને જો અશ્વિન ચોથી ટેસ્ટમાં વધુ ત્રણ વિકેટ લઇ લે છે તો તે ભારતની ધરતી પર સૌથી વધુ ૩૫૦ વિકેટ લેવાનો અનિલ કુંબલેનો રેકોર્ડ તોડીને આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી જશે.

ઘરઆંગણે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

અનિલ કુંબલે – ૩૫૦ વિકેટ

રવિચંદ્રન અશ્વિન- ૩૪૮ વિકેટ

હરભજન સિંહ – ૨૬૫ વિકેટ

કપિલ દેવ – ૨૧૯ વિકેટ

રવિન્દ્ર જાડેજા – ૨૦૬ વિકેટ