- અમે એક નહીં રહીએ તો સરકારમાં પાછા કેવી રીતે આવીશું.
જયપુર,
રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ કોઈનાથી અજાણી નથી. મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય તણાવ ઘણો વધી ગયો છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન અશોક ગેહલોતે, સચિન પાયલટને ગદ્દાર પણ કહ્યા હતા. અશોક ગેહલોતના આ નિવેદન પર હવે પાયલોટે કહ્યું કે તેને દુ:ખ થયું છે. જોકે તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોણ નેતૃત્વ કરશે તે મુદ્દો પાર્ટી પર નિર્ભર છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. તેણે કહ્યું કે હા, હું એક રાજકારણી છું, પરંતુ હું પણ એક માણસ છું. હું દુ:ખી અને નિરાશ થયો હતો. હું ભૂતકાળમાં જવા માંગતો નથી.
એક ઈન્ટરવ્યુમાં સચિન પાયલટે કહ્યું કે હું જાહેર જીવનમાં મર્યાદા જાળવી રાખું છું, પરંતુ તમારે રાજકારણમાં આગળ વધવું પડશે. મારી પાસે એક કામ છે અને એક મિશન હાથમાં છે. જેના થકી આગળ વધવાનું છે. ગયા મહિને આપેલા એક ઈન્ટરવ્યુંમાં અશોક ગેહલોતે, પાયલટ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગદ્દારને રાજસ્થાનના મુખ્ય પ્રધાન બનાવી શકાય નહીં. હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્ય પ્રધાન નહીં બનાવે. જે માણસ પાસે ૧૦ ધારાસભ્યો પણ નથી, જેણે પાર્ટી સાથે વિશ્ર્વાસઘાત કર્યો હોય, પાર્ટી સાથે દગો કર્યો હોય તેવા ગદ્દારને મુખ્ય પ્રધાન કેવી રીતે બનાવી શકાય.
તેના જવાબમાં પાયલોટે કહ્યું હતું કે પક્ષના કોઈ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિએ આવી વાત ના કરવી જોઈએ, આવુ કહેવુ તેમના માટે અયોગ્યઅને અશોભનિય છે. અમે એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવીએ, તે યોગ્ય નથી. આજે બધાએ એક થવાનો સમય છે. અમે એક નહીં રહીએ તો સરકારમાં પાછા કેવી રીતે આવીશું. કોઈ વ્યક્તિએ પોતાને રાજકીય રીતે અસુરક્ષિત ના માનવા જોઈએ. આ જીવનનો ક્રમ છે, રાજકારણમાં ઉતાર-ચઢાવ તો આવતો જ રહે છે.
તેમણે વધુમાં કહ્યું કે, મને ખબર નથી કે તેમને કોણ સલાહ આપે છે કે કોના કહેવા પર આવી વાતો અને નિવેદન કરે છે. અગાઉ પણ અશોક ગેહલોતજીએ મારા વિશે ઘણી વાતો કહી છે. તેઓએ મને નકામો, નાલાયક અને ગદ્દાર કહ્યો છે. અનેક આક્ષેપો કર્યા છે. મને લાગે છે કે આવા ખોટા આક્ષેપો કરવાની જરૂર નથી.
સચિન પાયલટે તાજેતરમાં આ વિવાદો પર કહ્યું હતું કે પાર્ટીનું રાજ્ય એકમ સંપૂર્ણ રીતે એક છે અને હાલમાં રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાને અન્ય રાજ્યો કરતા વધુ સફળ બનાવવા પર યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સાથેના મતભેદો પર ભાજપની ઝાટકણી કાઢતા પાયલટે કહ્યું કે આ બધું એક પક્ષની બાજુથી થઈ રહ્યું છે જેની પાસે મુખ્ય પ્રધાન પદ માટે ઓછામાં ઓછા એક ડઝન દાવેદારો છે. જ્યારે સચિન પાટલટને પૂછવામાં આવ્યું કે શું અશોક ગેહલોતના તેમને ગદ્દાર ગણાવતા નિવેદનથી યાત્રા પર અસર પડી શકે છે, ત્યારે પાયલટે કહ્યું, “મને લાગે છે કે આ સમયે સૌથી મહત્વની બાબત એ છે કે રાજસ્થાનમાં યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થવી જોઈએ.”