નવીદિલ્હી, કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જયરામ રમેશે નવા સંસદ ભવનના ઉદઘાટન અંગે પીએમ મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા. જયરામ રમેશે કહ્યું કે એક વ્યક્તિના અહંકાર અને આત્મપ્રચારની ઈચ્છા જ છે જેણે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને બંધારણીય વિશેષાધિકારથી વંચિત કર્યા છે. તેમણે પીએમ પર કટાક્ષ કરતા તેમને મોદી ધ ગ્રેટ ઈનોગ્રેટ(ઉદઘાટન) કહ્યા હતા.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી કે કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાંચીમાં ઝારખંડ હાઈકોર્ટના પરિસરમાં દેશના સૌથી મોટા ન્યાયિક પરિસરનું ઉદઘાટન કર્યું. આ એક વ્યક્તિનો અહંકાર અને આત્મપ્રચારની ઈચ્છા જ જેણે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને ૨૮મેના રોજ નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવાના બંધારણીય અધિકારથી વંચિત કરી દીધા છે. તેમણે દેશમાં મહાન ઉપાધિ મેળવનારા બે શાસકો સાથે તુલના કરતાં લખ્યું કે અશોક ધ ગ્રેટ, અકબર ધ ગ્રેટ અને મોદી ધ ઈનોગ્રેટ.
ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે ન કરાવવાના વિરોધમાં કોંગ્રેસ, એનસીપી, ટીએમસી અને આપ પાર્ટી સહિત દેશના ૧૯ રાજકીય પક્ષોએ ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે અમુક પક્ષો આ કાર્યક્રમમાં હાજરી આપવા સંમત થયા છે.