રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સતત બે મેચ જીતીને સુપર-એટ માટે પોતાનો દાવો મજબૂત કરી લીધો છે. જો કે મેચ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટે એક એવું નિવેદન આપ્યું હતું જેણે ક્રિકેટ જગતને શરમમાં મૂકી દીધું હતું. પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ અને પાકિસ્તાની પત્રકાર શાહિદ હાશ્મીએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર એક શો દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે. બંનેએ કંઈક એવું કહ્યું છે જેનાથી સોશિયલ મીડિયા પર ફેન્સ નારાજ છે. બંનેના નિવેદનની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી છે.
વાસ્તવમાં, આ નિવેદન તે સમયનું છે જ્યારે પાકિસ્તાનની ટીમ ૧૧૯ રનનો પીછો કરી રહી હતી. બુમરાહે ૧૯મી ઓવરમાં ત્રણ રન આપ્યા હતા અને અર્શદીપે છેલ્લી ઓવર નાખવી પડી હતી. પાકિસ્તાનને ૨૦મી ઓવરમાં જીતવા માટે ૧૮ રનની જરૂર હતી. કામરાન અકમલ અને શાહિદ હાશ્મીની આ વાંધાજનક ટિપ્પણી તે સમયની છે. કામરાન અને હાશ્મી બંનેએ કહ્યું કે અર્શદીપને ૨૦મી ઓવર ન આપવી જોઈતી હતી અને પાકિસ્તાનની ટીમ જીતી જશે. જો કે, અર્શદીપે બંનેને જડબાતોડ જવાબ આપ્યો, માત્ર ૧૧ રન ખર્ચીને ભારતીય ટીમ છ રનથી જીતવામાં સફળ રહી. આયુષ નામના એક એક્સ યુઝરે તેનો વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે કામરાન અકમલે આવી ખરાબ વાત કરી છે.
પાકિસ્તાનને અંતિમ ૨૪ બોલમાં જીતવા માટે ૩૫ રનની જરૂર હતી. હાદક પંડ્યા ૧૭મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને શાદાબ ખાનને પેવેલિયન મોકલ્યો હતો. આ ઓવરમાં પાંચ રન આવ્યા અને એક વિકેટ પડી. પાકિસ્તાનને જીતવા માટે છેલ્લા ૧૮ બોલમાં ૩૦ રનની જરૂર હતી. સિરાજ ૧૮મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે નવ રન આપ્યા હતા. પાકિસ્તાનને જીતવા માટે ૧૨ બોલમાં ૨૧ રનની જરૂર હતી. અહીંથી જસપ્રીત બુમરાહે મેચનો પલટો કર્યો. તે ૧૯મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે માત્ર ત્રણ રન જ ખર્ચ્યા હતા. ઈતિખાર અહેમદ (૫)ને પણ ઓવરના છેલ્લા બોલ પર પેવેલિયન મોકલવામાં આવ્યો હતો. ૧૯ ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર છ વિકેટે ૧૦૨ રન હતો. પાકિસ્તાનને ૨૦મી ઓવરમાં જીતવા માટે ૧૮ રનની જરૂર હતી. ઈમાદ વસીમ અને નસીમ શાહ ક્રિઝ પર હતા, પરંતુ અર્શદીપે માત્ર ૧૧ રન આપ્યા હતા.
ટી-૨૦ વર્લ્ડ કપની આઠ મેચોમાં પાકિસ્તાન પર ભારતની આ સાતમી જીત છે અને વનડે ટી ૨૦ વર્લ્ડ કપ સહિત ૧૬ મેચોમાં પાકિસ્તાન પર ભારતની ૧૫મી જીત છે. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. ભારત તરફથી બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.