ગાંધીનગર, આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગે મોટો નિર્ણય લીધો છે. કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે. છ આરોપીને નિર્દોષ છોડવાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરાશે. આસારામને જોધપુરમાં થયેલી અને ગાંધીનગરમાં થયેલી સજાને એક સાથે કાપવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે પિટિશન કરવાનો પણ કાયદાકીય અભિપ્રાય અપાયો છે. રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ અલગ હોવાથી એક સાથે સજા કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નહીં હોવા અંગેનો કાયદાકીય અભિપ્રાય અપાયો છે.
સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં ૩૦ જાન્યુઆરીના રોજ આસારામને દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. આસારામ સિવાયના અન્ય ૬ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ ૨૦૦૧માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ ૨૦૧૩માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં ૬ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ આસારામ સહિત અને ૭ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ સમગ્ર કેસમાં ૬૮ સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.