આસારામ-નારાયણ સાંઇ દુષ્કર્મ કેસ: સાક્ષી પર એસિડ ફેંકનારો ૯ વર્ષે ઝડપાયો, કેસને રફેદફે કરવાનું ષડયંત્ર હતું

સુરત, દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ કેસ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ દુષ્કર્મ કેસમાં સાક્ષી પર એસિડ ફેંકવામાં આવ્યું હતું, આ એસિડ ફેંકનાર આરોપી ૯ વર્ષ બાદ સુરત પોલીસના હાથ લાગ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર બાલકિશન શાહુને ઝડપી લીધો છે. ૯ વર્ષ પહેલા આ કેસમાં જોડાયેલા સાક્ષીઓને એનકેન પ્રકારે ડરાવવા અને ધમકાવવામાં આવતા હતા. તો એસિડ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે વર્ષ ૨૦૧૩-૧૪માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ પર અમદાવાદ અને સુરતમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફી સાક્ષીઓમાં દિનેશ ચંદાણી મદદ કરતાં હોવાથી તેમના પર સામાપક્ષેથી દબાણ કરવામાં આવતું હતું અને આરોપી સુનિલ બાલકિશન શાહુ કેટલાક અનુયાયીઓને લઇને સમજાવવા પણ ગયો હતો. જો કે સાક્ષી પોતાની વાત પર અડગ રહેતા ઉશ્કેરાયેલા સુનિલે હત્યા કરવાના ઇરાદે એસિડથી હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર બાલકિશન શાહુ જે મૂળ મધ્યપ્રદેશના સુસનેર ગૌશાળા, આગર મેઇન રોડનો રહેવાસી છે તેની એસિડ હુમલો કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની ધરપકડ થઇ ગઇ હતી. બાદમાં ખટોદરા પોલીસે હત્યાની કલમ સાથે ગુનો દાખલ કર્યો હતો. ત્યારથી તે લાજપોર જેલમાં બંધ હતો પરંતુ જામીન પર બહાર આવ્યા બાદ ફરી લખણ ઝળકાવતા પોલીસે ફરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.