
નવીદિલ્હી, આજે પૂર્વોત્તર રાજ્યમાં આસામને પણ પહેલી વંદે ભારત ટ્રેન મળી છે. આજ રોજ પીએમ મોદી દ્વારા આસામને પહેલી વંદે ભારતએક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી આપીને રવાના કરી છે. થોડા દિવસો પહેલા જ ઓરિસ્સાને તેની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આપી હતી.
પીએમ મોદીએ ગયા રવિવારે આસામની પહેલી વંદે ભારત એક્સપ્રેસને લઈને એક ટ્વિટ પણ કર્યું હતું. ‘આસામની પહેલી વંદે ભારત એક્સપ્રેસને આવતીકાલે ૨૯ મે બપોરે ૧૨ વાગે ફ્લેગ ઓફ કરતાં હું ખુશ છું. આ અત્યાધુનિક ટ્રેન ઝડપ, આરામ અને બહેતર કનેક્ટિવિટી પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તે પ્રવાસનને પણ વેગ આપશે અને સામાજિક-આર્થિક વિકાસને સમૃદ્ધ કરશે.
વંદે ભારત ટ્રેન સંબંધિત અધિકારીના જણાવ્યા મુજબ, ટ્રેનની ફ્રીક્વન્સી અઠવાડિયામાં પાંચ દિવસની રહેશે. મંગળવારે આ ટ્રેનની કોઈ ફિકવન્સી નહીં હોય. આ નવી સેવા ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડી વચ્ચેનું ૪૧૧ કિમીનું અંતર ૫ કલાક ૩૦ મિનિટમાં કાપીને ગંતવ્ય સ્થાને લોકોને પહોંચાડશે. મોટાભાગની હાઈ સ્પીડ ટ્રેનો દ્વારા મુસાફરીના સમયમાં ઘટાડો થશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા અઠવાડિયામાં છ દિવસ ચાલશે. પૂર્વોત્તરના લોકો મુસાફરી દરમિયાન આરામ અને ઝડપને અનુભવવા સક્ષમ થશે.
વંદે ભારત એક્સપ્રેસ આ વિસ્તારની સૌથી ઝડપી ટ્રેન હશે. તેનાથી આઈટી પ્રોફેશનલ્સ, બિઝનેસમેન, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને સમયનો બચાવ થવાનો ફાયદો મળશે. વંદે ભારત એક્સપ્રેસ એ દેશમાં રેલ મુસાફરીના ધોરણો અને ઝડપ વધારવા માટે મુકવામાં આવેલી ભારતીય રેલ્વે દ્વારા મહત્વાકાંક્ષી યોજનાની પૂર્તતા છે.