
મુંબઇ, આયર્લેન્ડ સામે ભારતનો કેપ્ટન: આવતા મહિને ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ટી 20 સિરીઝ રમશે. માનવામાં આવી રહ્યું છે કે આયર્લેન્ડ સામેની ટી-૨૦ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે.
જો કે તેની સાથે જ અન્ય એક રિપોર્ટ સામે આવ્યો છે જે ચોંકાવનારો છે.અહેવાલો અનુસાર આયર્લેન્ડ સામેની શ્રેણીમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને વધુ એક નવો કેપ્ટન મળી શકે છે. તમને જણાવી દઈએ કે ૨૦૨૨ના ટી ૨૦ વર્લ્ડ કપ બાદ હાદક ટી ૨૦ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ૧૮ ઓગસ્ટથી ટીમ ઈન્ડિયા આયરલેન્ડ સામે ત્રણ મેચની ટી ૨૦ સીરિઝ રમશે. જો અહેવાલોનું માનીએ તો આગામી વનડે વર્લ્ડ કપ અને એશિયા કપને ધ્યાનમાં રાખીને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર શુભમન ગિલને આયર્લેન્ડ સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવશે.ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે હજુ કંઈ નક્કી નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની-સિરીઝ બાદ હાર્દિક પંડ્યા કેવો અનુભવ કરે છે અને તે શું ઈચ્છે છે તેના પર પણ નિર્ભર રહેશે. તેણે આ સિરીઝમાં ઘણો પ્રવાસ કરવો પડશે. આવી સ્થિતિમાં એશિયા કપ અને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી છે. જોકે, હાર્દિક વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન પણ છે.
નોંધપાત્ર વાત એ છે કે આયર્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને નવો કેપ્ટન મળી શકે છે. આ પહેલા બીસીસીઆઈએ એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી છે. જો કે જો હાર્દિકને આયર્લેન્ડ સામેની સીરીઝમાં આરામ આપવામાં આવે તો સુકાની કોણ કરશે તે એક મોટો પ્રશ્ર્ન છે. જો કેએલ રાહુલ આ સિરીઝ સુધી ફિટ થઈ જશે તો ચોક્કસ તે કેપ્ટનશિપ સંભાળશે.