અરવિંદ કેજરીવાલની ધરપકડ યોગ્ય હોવા મામલે સુપ્રીમ કોર્ટે ઈડી સમક્ષ સ્પષ્ટતા માંગી

  • પીએમએલએની કલમ ૧૯ હેઠળ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કેવી રીતે વાજબી છે.

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ને સ્પષ્ટતા કરવા કહ્યું છે કે પીએમએલએની કલમ ૧૯ હેઠળ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કેવી રીતે વાજબી છે. કોર્ટે કહ્યું કે કોઈની ધરપકડ કરતી વખતે અથવા તેને રિમાન્ડ પર લેતી વખતે તેની જરૂરિયાત સાબિત કરવાની જવાબદારી એજન્સીની છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી. કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાયેલ તેમની ધરપકડને પડકારી છે.

એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ ઈડ્ઢ વતી દલીલો રજૂ કરી હતી. રાજુએ કહ્યું કે આ કેસમાં હવાલા ઓપરેટર દ્વારા ૧૦૦ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. તેમણે કહ્યું કે ૧૧૦૦ કરોડ રૂપિયા જોડવામાં આવ્યા છે. તેના પર કોર્ટે પૂછ્યું કે તમારા હિસાબે આ કેસમાં અપરાધથી કમાણી ૧૦૦ કરોડ રૂપિયા હતી, તો આ ૧૧૦૦ કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા. આના પર છજીય્ રાજુએ જવાબ આપ્યો કે આમાં પોલિસીના કારણે દારૂની કંપનીઓને થયેલો નફો પણ સામેલ છે. કોર્ટે કહ્યું કે નફાની સંપૂર્ણ રકમને ગુનામાંથી મળેલી આવક તરીકે ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે અમારી સમક્ષ સ્પષ્ટતા કરો કે પીએમએલએની કલમ ૧૯ હેઠળ કેજરીવાલની ધરપકડ કેવી રીતે વાજબી છે. કોર્ટે કહ્યું કે તમારી દલીલ સાચી નથી કે ‘ધરપકડનું કારણ’ અને આ કલમ હેઠળ ‘આરોપીને દોષિત માનવા’ હેઠળ ધરપકડનું કારણ અલગ હોઈ શકે છે. ધરપકડ/રિમાન્ડ લેતી વખતે, તેની શા માટે જરૂર છે તે સાબિત કરવાની જવાબદારી ઈડીની છે. ન્યાયાધીશ દીપાંકર દત્તાએ ઈડીને કહ્યું કે તમે કોઈપણ આરોપી વિરુદ્ધ તથ્યો/પુરાવાઓ અંગે પસંદગીયુક્ત ન હોઈ શકો. તમારે ઉપલબ્ધ તમામ તથ્યોને સંપૂર્ણ રીતે જોવી પડશે. તમે એવા તથ્યોને નજરઅંદાજ કરી શક્તા નથી જે આરોપીઓ (કેજરીવાલ) વિરુદ્ધ નથી. ધરપકડ સમયે તમે કલમ ૨૧ હેઠળ આરોપીની સ્વતંત્રતા છીનવી લો છો. આ સંદર્ભે, તમારે સંતુલિત વલણ અપનાવવાની જરૂર છે.

જસ્ટિસ દત્તાએ પૂછ્યું કે જો એવી સામગ્રી છે જે અપરાધ તરફ નિર્દેશ કરે છે અને કેટલીક સામગ્રી જે બિન-દોષિત તરફ નિર્દેશ કરે છે, તો શું તમે તેમાંથી પસંદ કરી શકો છો? તેના પર રાજુએ કહ્યું કે તે તપાસ અધિકારી પર નિર્ભર છે. જસ્ટિસ દત્તાએ કહ્યું કે તમારે બંનેને બેલેન્સ કરવું પડશે. એક ભાગ બહાર રાખી શકાતો નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેની સામે પ્રશ્ર્ન એ છે કે શું આ કેસમાં પીએમએલએની કલમ ૧૯નું પાલન કરવામાં આવ્યું હતું. શું આ કેસમાં થયેલી ધરપકડ આ કલમ હેઠળ જરૂરી માપદંડોને સંતોષે છે?

કેજરીવાલ કેસની સુનાવણીમાં જસ્ટિસ ખન્નાએ ઈડીની તપાસ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જો તમે એવું કહો છો કે સરકારના વડા હોવાના કારણે કેજરીવાલ આરોપી છે અને આ કૌભાંડમાં સામેલ છે, તો તમને આ નિષ્કર્ષ પર પહોંચવામાં બે વર્ષ લાગ્યા? તપાસ એજન્સી માટે આ સારી વાત નથી. મહત્વનું છે કે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ ઈડી વતી ઊલટતપાસ કરી. આજની સુનાવણીના અંતે કોર્ટે પીએમએલએની કલમ ૧૯ હેઠળ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કેવી રીતે વાજબી છે તે મામલે ઈડીને સ્પષ્ટતા કરવા કહ્યું છે.