હિમતનગર,
સાબરકાંઠા અને અરવલ્લી પોલિસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પોલીસે દારુ અને નશીલા પદાર્થોની હેરફેર ને લઈ ધોંસ વધારી દીધી છે. છેલ્લા કેટલાક મહિનાથી મોટા પ્રમાણમાં દારુની હેરાફેરી ઝડપાઈ રહી છે. જોકે આ ભયના માહોલ વચ્ચે હવે બુટલેગરોએ કેટલાક ખાખીને મહેનત પર દાગ રુપ પોલીસ કર્મીઓ સાથે મળીને દારુની હેરાફેરીનો કિમીયો શોધી નાંખ્યો છે.દારુની ખેપ મારવા માટે હવે પોલીસ કર્માચારીઓનો જ ઉપયોગ કરવાનો અને દારુનો જથ્થો પોલીસ પાસેથે જ મેળવવાનો. જોકે આ કિમીયો સાબરકાંઠા પોલીસે બહાર આવવા દિધો નથી.
આ અંગેની બાતમી સાબરકાંઠા એસઓજી પોલીસ ઈન્સ્પેકટરને મળતા તુરત જ તેની પર એક્શન હાથ ધર્યા હતા. બાતમીનુસાર એસઓજી એ રણાસણ થી તલોદ તરફ જઈ રહેલી કારને અટકાવીને તલાશી લેતા દારુનો જથ્થો કારમાં થી મળી આવ્યો હતો. કારમાં સવાર ખુદ પોલીસ કર્મી જ હતો.
જલદી થી રુપિયા કમાઈ લેવાની લાલચ એ કેટલાક લોકોની પ્રકૃત્તિ હોય છે, ચાહે તે કોઈપણ ક્ષેત્રમાં ફરજ બજાવતો હોય. આવી જ રીતે અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલોને રુપિયા કમાઈ લેવાની લાલચ જાગી હતી. આથી તેઓ જિલ્લા પોલીસની દારુ ઝડપવાની કાર્યવાહી અને તેના ભયનો લાભ ઉઠાવ્યો હતો. રાત દિવસ દારુ અને નશીલા પદાર્થ ઝડપવા પરિશ્રમ કરતી પોલીસની આંખોમાં ધૂળ નાંખી દારુની હેરાફેરી શરુ કરી હતી.
બાતમી મુજબ એસઓજી નકુલ રબારી અને તેમની ટીમે રણાસણ થી તલોદ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક સ્કોપયો કાર મોડાસા તરફથી આવી રહી હતી. પોલીસે સ્કોપઓ કારને રોક્તા તેમાં એક પોલીસ કર્મી રોહિત ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ અરવલ્લી હેડક્વાર્ટર) અને તેના ગામના બે અન્ય ઈસમો સવાલ હતા. પોલીસે કારની તલાશી લેતા ફફડી ઉઠેલા પોલીસ કર્મી અને અન્ય બંને શખ્શોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન એસઓજીની ટીમે ત્રણેયને ઝડપી લીધા હતા. કારમાં તલાશી લેતા દારુના ૮ બોક્સ ભરેલા મળી આવ્યા હતા.
મોડાસા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય શનાજી પરમાર પાસેથી દારુનો જથ્થો મેળવ્યો હતો. જેને તેઓએ ગાંધીનગરના હાલીસા ખાતે લઈ જવાનો હતો. જ્યાં બુટલેગર કિશન ગોસ્વામીને આપવાનો હતો. એસઓજીએ આ બંને સામે પણ તપાસની કાર્યવાહી શરુ કરી છે અને વિજય પરમારની શોધખોળ હાથ ધરી છે. વિજય પાસે અન્ય કોઈ જથ્થો હાલમાં છે કે કેમ તેને લઈ પણ તુરત તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓમાં રોહિત ચૌહાણ, રહે લીંબ તા. બાયડ જિ. અરવલ્લી,પ્રવિણ રણજીતસિંહ ચૌહાણ, રહે લીંબ તા. બાયડ જિ. અરવલ્લીનો સમાવેશ થાય છે.