અરવલ્લી જિલ્લામાં શાળાઓ અને આંગણવાડીઓમાંથી ગેસના બાટલાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

અરવલ્લી જિલ્લામાં શાળાઓ અને આંગણવાડીઓમાંથી ગેસના બાટલાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ગેસના બાટલાઓની ઉઠાંતરીના વધતા જતા બનાવોને પગલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે કડીઓ શોધવામાં આવી રહી હતી. આ દરમિયાન LCB ને ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈને 16 ગેસ બોટલ કબ્જે કરી છે.

અરવલ્લી જિલ્લામાં સતત ગેસની બોટલની ચોરીઓ થઈ રહી હતી. આ દરમિયાન એલસીબીએ બાટલા ચોર ગેંગને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આરોપીઓ રિક્ષા લઈને ચોરી કરવા માટે નિકળી પડતા હતા અને ગેસની બોટલની ચોરી કરવામાં માહિર બન્યા હતા. પોલીસ પણ શાળાઓના મધ્યાહન ભોજન રુમ અને આંગણવાડીઓમાં વધતી ચોરીને લઈ ચોંકી હતી.

બાળકોના ભોજનમાં અડચણ ઉભી કરાનારી તસ્કર ગેંગને પોલીસે ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી. જેને લઈ આરોપીઓની એમઓ આધારે કડી મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મોડાસા LCB ટીમને બાતમી મળી હતી. જેને આધારે સરુરપુરમાં પોલીસની ટીમ પહોંચી હતી. જ્યાંથી ગેસની બોટલ સહિત આરોપીઓ હાથ લાગ્યા હતા.

મોડાસા LCB પીઆઈ કેડી ગોહિલને આ ગેંગ અંગે બાતમી મળી હતી. જે ગેંગને તેઓ ઝડપવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. પીઆઈ ગોહિલ અને તેમની ટીમે સરુરપુર ગામમાં દરોડો પાડ્યો હતો. જ્યાં મેહુલ રમણભાઈ પગીના ઘરેથી ગેસની બોટલો સંતાડી રાખેલી મળી આવી હતી. જ્યાંથી ગેંગના પાંચેય સભ્યો પણ ટીમના હાથ લાગ્યા હતા. જેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીઓએ સાબરકાંઠા જિલ્લામાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તલોદ તાલુકાના ભારડીયા છાપરા ગામની પ્રાથમિક શાળામા આવેલ મધ્યાહન ભોજનના ગેસની બોટલને ચોરી કરી હતી. આરોપીઓએ અરવલ્લીના ખલીકપુર, રામેશ્વર કંપા, અણદાપુર, બોરકંપા (દધાલીયા) સાયરા, અમરાપુર અને જામાપુર ગામની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાંથી ગેસ બોટલ ચોરી કરી હતી. રીક્ષા કે ઈકો કાર લઈને આરોપીઓ ચોરી કરવા માટે નિકળી પડતા હોવાની કબૂલાત કરી છે. તેની સાથે ચોરીમાં સામેલ અન્ય પાંચ આરોપીઓને પણ શોધવા માટે કાર્યવાહી શરુ કરાઈ છે.

ઝડપાયેલા આરોપીઓની ઝડતી લેતા તેમની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં એક મોટોરોલા કંપનીનો ફોન જંબુસર ગામના મંદિરમાંથી ચોરી કર્યો હોવાનુ કબૂલાત કરી હતી. જ્યારે બીજો ફોન મોડાસા શહેરમાં આવેલ રત્નમ સોસાયટીમાંથી ચોર્યો હતો. પોલીસે ચોરીના બંને ફોન અને રિક્ષાને જપ્ત કરીને તપાસ શરુ કરી છે.

ઝડપાયેલ આરોપી

  1. હુસેન ઉર્ફે બિલ્લો યાસીનભાઈ ભટ્ટી, સહારા સોસાયટી, મોડાસા જિ. અરવલ્લી
  2. મેહુલ રમણભાઈ પગી, સરુરપુર, તા. મોડાસા જિ. અરવલ્લી
  3. મિતેષ શીવાભાઈ તરાર, સરુરપુર તા. મોડાસા જિ. અરવલ્લી
  4. સુનિલ કાન્તીભાઈ ખાંટ, દોલપુર, તા. મોડાસા જિ. અરવલ્લી
  5. અલ્પીત ભરતભાઈ રાવળ, સર્વોદયનગર ડુંગરી, તા. મોડાસા જિ. અરવલ્લી

ફરાર આરોપી

  1. નાસીર ઉર્ફે નાતાલ યુસુફખાન પઠાણ, સહારા સોસાયટી, મોડાસા જિ. અરવલ્લી
  2. વનરાજ જ્યંતીભાઈ ચૌહાણ, સરુરપુર તા. મોડાસા જિ. અરવલ્લી
  3. સંજય નરસિંહભાઈ ખાંટ, રહે સંજેલી, તા. મોડાસા જિ. અરવલ્લી
  4. રાકેશ ઠાકોર, બડોદરા
  5. ઈકો કારનો ચાલક