અરૂણાચલ વિધાનસભા ચૂંટણી: કુલ ૧૪૨થી ૨૩ સામે ફોજદારી કેસ, ૨૦ સામે ગંભીર ગુના

ઇટાનગર, એડીઆર રિપોર્ટ મુજબ લોક્સભા ચૂંટણી ૨૦૨૪ની સાથે-સાથે અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવવાની છે. અરૂણાચલ પ્રદેશના કુલ ૧૪૨ ઉમેદવારોમાંથી ૨૩ ઉમેદવાર એટલે કુલ ૧૬ ટકાએ તેમની સામેના ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે ૨૦૧૯માં કુલ ૧૮૪માંથી ૨૯ ઉમેદવાર એટલે કે ૧૬ ટકે તેમની સામેના ફોજદારી કેસ જાહેર કર્યા હતા. જ્યારે કુલ ૨૦ ઉમેદવાર સામે ગંભીર ગુના છે.

આ ઉમેદવારોમાં પક્ષવાર જોઈએ તો ભાજપના કુલ ૫૯ ઉમેદવારમાંથી ચારે તેની સામેના ફોજદારી કેસ જણાવ્યા છે. જ્યારે કોંગ્રેસના ૧૯માંથી ચાર તેની સામે ફોજદારી કેસ જણાવ્યા છે. એનસીપીના ૧૫માંથી ત્રણ અને પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલના ૨૦માંથી બે ઉમેદવારે તેની સામેના ફોજદારી કેસ જણાવ્યા છે. નેશનલ પીપલ્સ પાર્ટીના ૨૦માંથી બે ઉમેદવારે તેની સામેના ફોજદારી કેસ જાહેર કર્યા છે. જ્યારે ૧૩ અપક્ષ ઉમેદવારોમાંથી એક ઉમેદવારે તેની સામેનો ફોજદારી કેસ જાહેર કર્યો છે.

જ્યારે ગંભીર ગુનાવાળા કેસોની સંખ્યામાં જોઈએ તો ભાજપના ૫૯માંથી નવ ઉમેદવારો એટલે ૧૫ ટકા, કોંગ્રેસના ૧૯માંથી ચાર એટલે ૨૧ ટકા, એનસીપીના ૧૫માંથી ત્રણ એટલે કે ૨૦ ટકા, પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલના ૧૧માંથી બે ઉમેદવાર એટલે કે ૧૮ ટકા, નેશનલ પીપલ્સ પાર્ટીના ૨૦માંથી બે એટલે કે દસ ટકા સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

મહિલાઓ સામેના ગુનામાં ફક્ત બે આરોપીઓએ જ તેમની સામે ફોજદારી કેસ થયો હોવાનું જણાવ્યું છે. તેમા એક પર બળાત્કારનો આરોપ છે અને બીજા પર બળાત્કારના પ્રયાસનો આરોપ છે. આમ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોની ચૂંટણી પસંદગી સમિતિને ઉમેદવારો પસંદ કરવા માટે આપેલા દિશાનિર્દેશોનું અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં જરા પણ પાલન થયું નથી. અરૂણાચલમાં ચૂંટણી લડતા બધા રાજકીય પક્ષોએ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ૧૦થી ૨૧ ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે.

આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશમાં ૧૪૨માંથી કુલ ૧૧૫ ઉમેદવારો કરોડપતિ છે. આમ કુલ ૮૧ ટકા ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં કુલ ૧૮૪ ઉમેદવારોમાંથી ૧૩૧ એટલે કે ૭૧ ટકા ઉમેદવારો કરોડપતિ હતા.

આ ઉપરાંત પાંચ કરોડથી વધુ સંપત્તિ ધરાવતા હોય તેવા ૭૯ એટલે કે ૫૬ ટકા ઉમેદવારો છે, જ્યારે બે કરોડથી પાંચ કરોડની સંપત્તિ ધરાવતા ૧૯ ટકા એટલે કે ૧૩ ટકા ઉમેદવારો છે, ૫૦ લાખથી બે કરોડની સંપત્તિ ધરાવતા ૨૫ એટલે ૧૮ ટકા ઉમેદવારો છે, જ્યારે દસ લાખથી ૫૦ લાખની સંપત્તિ ધરાવતા ૧૬ એટલે કે ૧૧ ટકા ઉમેદવારો છે. જ્યારે દસ લાખથી ઓછી સંપત્તિ ધરાવતા ત્રણ એટલે કે બે ટકા ઉમેદવારો છે.

હવે સૌથી વધુ કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપનારા પક્ષોમાં જોઈએ તો ભાજપે ૫૯માંથી ૫૭ એટલે કે ૯૭ ટકા કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ ૨૦માંથી ૧૬ એટલે કે ૮૦ ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ૧૯માંથી ૧૩ એટલે કે ૬૮ ટકા ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલે ૧૧માંથી ૯ એટલે કે ૮૨ ટકા કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ બધા ઉમેદવારોની સંપત્તિ એક કરોડ કે તેનાથી વધારે છે.

આમ ૨૦૨૪ની ચૂંટણી લડી રહેલા અરૂણાચલના ૧૪૨ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૮.૧૩ કરોડ છે. જ્યારે ૨૦૧૯માં કુલ ૧૮૪ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૯.૮૬ કરોડ રૂપિયા હતી. હવે પક્ષદીઠ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ જોઈએ તો ભાજપના ૫૯ ઉમેદવારોની ૨૬.૦૫ કરોડ રૂપિયા, નેશનલ પીપલ્સ પાર્ટીના સરેરાશ ૨૦ ઉમેદવારોની સંપત્તિ ૧૬.૯૫ કરોડ રૂપિયા, કોંગ્રેસના ૧૯ વિધાનસભ્યોની સરેરાશ સંપત્તિ ૬.૮૯ કરોડ રૂપિયા, જ્યારે પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલના ૧૧ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૮.૯૫ કરોડ રૂપિયા છે.

ઉમેદવારોના શિક્ષણ અંગે જોઈએ તો પાંચ ઉમેદવારો નિરક્ષર છે. એટલે કે તેમને જરા પણ અક્ષરજ્ઞાન નથી. ૪૬ ઉમેદવારોનું શિક્ષણ પાંચથી બાર ધોરણનું છે. એટલે કે ૩૨ ટકા ઉમેદવાર બારમુ પાસ પણ નથી. જ્યારે ૯૦ ઉમેદવારો એટલે કે ૬૩ ટકા ઉમેદવાર સ્નાતક કે સ્નાકોત્તેર ડિગ્રી ધરાવે છે. અરૂણાચલ વિધાનસભાના કુલ ૧૪૨ ઉમેદવારોમાંથી ફક્ત સાત જ મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહી છે, એટલે કે ચૂંટણી લડતા કુલ ઉમેદવારોમાં તેનો હિસ્સો માંડ પાંચ ટકા થાય છે.