- ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારો પર બળજબરીથી દાવો કરી રહ્યું છે.
વોશિગ્ટન, યુએસ સેનેટની ફોરેન અફેર્સ કમિટીએ વિધિવત રીતે એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારો પર બળજબરીથી દાવો કરી રહ્યું છે. આ પ્રયાસના ભાગરૂપે, થોડા મહિના પહેલા, તેમણે અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોના નામ બદલવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ અમેરિકી સંસદીય સમિતિએ માત્ર અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે જ સ્વીકાર્યું નથી, પરંતુ અમેરિકા મેકમોહન રેખાને ચીન અને ભારત વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપે છે, તે ઠરાવમાં પુન:પુષ્ટિ પણ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાતના થોડા દિવસો બાદ જ યુએસ સેનેટ કમિટીએ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમેરિકી સંસદની એક સમિતિમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો જાહેર કરતો ઠરાવ ગુરુવારે સાંસદ જેફ મર્કલે, બિલ હેગર્ટી, ટિમ કેઈન અને ક્રિસ વેન હોલેને રજૂ કર્યો હતો. સમિતિ દ્વારા મીડિયાને જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઠરાવ પુનરોચ્ચાર કરે છે કે યુએસ મેકમોહન રેખાને ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશ અને ચીન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપે છે. યુએસ સેનેટ કમિટીના આ પગલાથી અરુણાચલ પ્રદેશના ઘણા ભાગો પર ખોટા દાવા કરવાના ચીનના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. સેનેટ કમિટીમાં પાસ થયા બાદ હવે આ પ્રસ્તાવને વોટિંગ માટે અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટમાં રજૂ કરવામાં આવશે.
અરુણાચલ પ્રદેશ પર ભારતના વલણને સમર્થન આપતો ઠરાવ રજૂ કરનાર અમેરિકન સાંસદ મર્કલે યુએસ સંસદમાં ચીન સાથે સંબંધિત બાબતો પરની સમિતિના સહ-અધ્યક્ષ પણ છે. મર્કલે કહે છે કે, અમેરિકા વિશ્ર્વભરમાં સ્વતંત્રતા અને નિયમ આધારિત વ્યવસ્થાને સમર્થન આપવાની નીતિનું પાલન કરે છે, પરંતુ ચીનનો રસ્તો આનાથી તદ્દન અલગ છે. મર્કલે કહ્યું, “અરુણાચલ પ્રદેશના મુદ્દા પર સમિતિમાં પસાર કરાયેલ ઠરાવ વધુ પુષ્ટિ કરે છે કે, અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માને છે, ચીનનું નહીં. આ સાથે, તે ભારત સાથે સમાન વિચારધારા પર આધારિત આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત કરવાની અમેરિકન પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.
અન્ય એક અમેરિકન સાંસદ કોર્નીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે પરસ્પર સરહદના મુદ્દે તણાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકાએ લોકશાહીની રક્ષા માટે મક્કમતાથી ઊભું રહેવું પડશે. તેમણે કહ્યું કે, સમિતિમાં પસાર કરાયેલ ઠરાવ અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપે છે અને હું મારા સાથીઓને સેનેટમાં પણ વિલંબ કર્યા વિના તેને પસાર કરવા કહીશ. હું તમને આમ કરવા વિનંતી કરું છું.