અરુણાચલમાં કુદરતનો કહેર, ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતા હાઈવે સંપર્ક વિહોણો

ઇટાનગર, અરુણાચલ પ્રદેશના દિબાંગ જિલ્લાને બાકીના ભારત સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૩ નો એક ભાગ ધોવાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનના કારણે હાઇવેનો આ ભાગ કપાઇ ગયો હતો અને ધોવાઇ ગયો હતો. દિબાંગ વેલી ચીનને અડીને આવેલો વિસ્તાર છે અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સત્તાવાળાઓનું કહેવું છે કે હાઈવેનો એક ભાગ કાપવાને કારણે ભારે નુક્સાન થયું છે અને તેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. હાલમાં નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે એક ટીમ મોકલી છે જેથી હાઈવેનું તાત્કાલિક સમારકામ થઈ શકે.

અધિકારીઓએ જણાવ્યું કે તમામ જરૂરી વસ્તુઓ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. ખાદ્યપદાર્થો સહિતની તમામ વસ્તુઓ સ્થળ પર સપ્લાય કરવામાં આવી રહી છે અને કોઈ પણ વસ્તુની કમી નથી. વાસ્તવમાં, આ હાઇવેનું ડિસ્કનેક્શન ચિંતાજનક છે કારણ કે તે જિલ્લાના લોકો અને સેના માટે જીવાદોરી સમાન છે. ચીનની સરહદ સુધી પહોંચવા માટે પણ સેના આ હાઈવેનો ઉપયોગ કરે છે. હાઈવેને થયેલા નુક્સાન બાદ રાજ્ય સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને આગામી ત્રણ દિવસ સુધી આ જગ્યાએથી પસાર ન થવાની સલાહ આપી છે. સત્તાવાળાઓનું કહેવું છે કે હાઈવે રિપેર કરવામાં થોડા દિવસો લાગશે.

આ કુદરતી આફતને લઈને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘હું જાણીને ચિંતિત છું કે હુનલી અને અનિનીને જોડતા હાઈવેને મોટું નુક્સાન થયું છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિબાંગ ખીણને બાકીના ભારત સાથે જોડવા માટે ટૂંક સમયમાં કામ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે સત્તાધીશોએ કામગીરી પણ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશ રાજ્યનો મોટો હિસ્સો ચીનને અડીને આવેલો છે. એટલું જ નહીં, ચીન અરુણાચલ પ્રદેશના એક ભાગ પર દાવો કરે છે, જેના કારણે તે વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ છે.